કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચાંદીયેલ ગામના રામદેવ-૨ કોમ્પ્લેક્સમાં જયવીર જ્વેલર્સમાં થયેલી રૂ. ૪.૦૪ લાખની ચોરીના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી સુનિલ અશોકભાઈ પ્રજાપતિના ૧૪ દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જાકે, કોર્ટે ૩૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યા સુધીના ૧૦ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ, ૧૬ નવેમ્બર ૨૦૨૬ની રાત્રે ચાંદીયેલ ગામના રામદેવ-૨ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન નંબર ૧૧માં તસ્કરો ત્રાટક્યાયા હતા. તસ્કરોએ જયવીર જ્વેલર્સની પાછળની દિવાલમાં કટર મશીનથી બાકોરું પાડ્યું હતું અને દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૪,૦૪,૨૫૦ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે વેપારી જીગ્નેશ પરીખે કણભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે તપાસ કરતાં પોલીસે સુનિલ પ્રજાપતિ (ઉંમર ૩૪ વર્ષ)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ ચોરી કરતાં પહેલાં સ્થળની રેકી કરી હતી. એટલું જ નહીં, બનાવટી આધારકાર્ડના આધારે દુકાન ભાડે રાખીને ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો પણ બહાર આવી છે.
પોલીસ તપાસમાં આ ચોરીમાં જગદીશ અદારામ માલી ઉપરાંત મહેશ અને બકા નામના શખસોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તપાસમાં જગદીશ પાસે ચોરીનો મુદ્દામાલ હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે, પકડાયેલો આરોપી અન્ય સાગરીતોનાં સંપૂર્ણ નામ અને સરનામાં અંગે સંતોષકારક માહિતી આપતો ન હોવાથી પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે.
આ કેસમાં વધુ તપાસ માટે તપાસ અધિકારીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ આરોપીના ૧૪ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરી હતી. સરકાર તરફથી સરકારી વકીલ તુષાર એલ. બારોટે રિમાન્ડના કારણો રજૂ કરતાં જણાવ્યું હતું કે બનાવટી આધારકાર્ડના આધારે દુકાન ભાડે રાખવામાં આવી હોવાથી દુકાન માલિક બિમલભાઈ મારફતે ઓળખ પરેડ કરવાની બાકી છે.
આ ઉપરાંત, અન્ય સાગરીતો જગદીશ માલી, મહેશ અને બકાને શોધવા માટે આરોપીની પૂછપરછ જરૂરી છે. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા ટુ-વ્હીલરની રિકવરી, કટર મશીન અંગે તપાસ અને CCTV ફૂટેજ મેળવવા પણ આરોપીના રિમાન્ડ જરૂરી હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું.આરોપીઓ ચોરી કર્યા બાદ ક્યા-ક્યા ગયા હતા અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવાની બાકી છે. ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા, અન્ય સાગરીતોને ઝડપી પાડવા અને સમગ્ર ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવા પોલીસે રિમાન્ડની માગણી કરી હતી.સરકારી વકીલની દલીલો અને તપાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી સુનિલ પ્રજાપતિના ૩૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યા સુધીના ૧૦ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.









































