જામનગરમાં નકલી ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ચાલતી ફેક્ટરી પર પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી અંદાજે ૯૩૨ લિટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. ૫.૭૭ લાખથી વધુ થાય છે. પોલીસે મનસુખ ખીમસૂર્યા નામના એક શખ્સની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન ‘કેટી બંધન – કાઉસ પ્યોર ઘી’ના સ્ટીકર લગાવેલા ૨,૧૬૦ ડબ્બા પણ મળી આવ્યા હતા.
પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જામનગરના રહેવાસી ભરત ખીમસૂર્યા અને મનસુખ ખીમસૂર્યા રવાણી ખીજડીયા ગામની સીમમાં આવેલી એક વાડીમાં નકલી ઘી બનાવવાનું કામ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન મનસુખ ખીમસૂર્યા વાડીમાં હાજર મળી આવ્યો હતો. ત્યાં મશીનરીની મદદથી ઘી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતાં અધિકારી ડો. આર.જે. કોટડિયા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘીના નમૂના લઈને તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.ગ્રામ્ય ડીવાયએસપી મીત રુદલાલે જણાવ્યું હતું કે, સ્થળ પરથી ૨૦૦ મિલીલીટરના ૨,૧૬૦ ડબ્બા સીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. આ ડબ્બા પર ‘કેટી બંધન – કાઉસ પ્યોર ઘી’નું લેબલ લગાવવામાં આવ્યું હતું. પોલીસે આ તમામ ડબ્બા કબજે કર્યા છે.
આ ઉપરાંત આશરે ૫૦૦ લિટર ઘીનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કુલ મળીને પોલીસે અંદાજે ૯૩૨ લિટર ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. ૫,૭૭,૮૪૦ હોવાનું જણાવાયું છે.
ડીવાયએસપી મીત રુદલાલના જણાવ્યા અનુસાર, આ ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીના નમૂનાઓનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે આ મામલે મનસુખ ખીમસૂર્યાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.