અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા શહેરમાં ટી.પી. રોડ પરનાં દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત વેજલપુર અને સરખેજ વોર્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાક અને કોમર્શિયલ સહિત કુલ ૭૫ બાંધકામો દૂર કરીને આશરે ૧.૬૨ કિલોમીટર લાંબો ટી.પી. રોડ દબાણમુક્ત કરવામાં આવ્યો હતો.
વેજલપુર વોર્ડમાં ટી.પી. સ્કીમ નં. ૮૩ (વેજલપુર-ગ્યાસપુર-મકતમપુર) હેઠળ ચામુંડા નગર અંડરપાસથી એકલદેવ નગર (સાલપરા) સુધીના ૯ મીટર પહોળા ટી.પી. રોડ પરનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ કામગીરીમાં ૨૯ રહેણાક બાંધકામ, ૧૪ કોમર્શિયલ બાંધકામ, પાંચ ધાર્મિક દેરી અને ત્રણ કમ્પાઉન્ડ વોલ સહિત કુલ ૫૧ બાંધકામો દૂર કરાયાં હતાં. જેના પગલે ૫૨૫ મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો થયો હતો.
બીજી તરફ સરખેજ વોર્ડ નં. ૩૩માં ટી.પી. સ્કીમ નં. ૪૪૪ (સનાથલ) હેઠળ સનાથલ ચોકડીથી બાકરોલ તરફ જતા રિંગ રોડને સમાંતર આવેલા ૧૨ મીટર પહોળા ટી.પી. રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. અહીં કુલ ૨૪ કોમર્શિયલ બાંધકામો હટાવી ૧,૧૦૦ મીટર લાંબો ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.બંને વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે છસ્ઝ્ર દ્વારા ચાર દબાણ ગાડી, ત્રણ જેસીબી મશીન, એક હિટાચી મશીન અને ખાનગી કોન્ટ્રાક્ટરના ૨૦ મજૂરોની મદદ લેવામાં આવી હતી. આ કામગીરીના પગલે વેજલપુર અને સરખેજમાં કુલ ૭૫ બાંધકામો દૂર કરીને આશરે ૧.૬૨ કિલોમીટર લાંબો ટી.પી. રોડ દબાણમુક્ત કરવામાં આવ્યો છે. રસ્તાની ઉપલબ્ધ પહોળાઈનો વધુ ઉપયોગ થઈ શકશે અને સ્થાનિક વાહનવ્યવહારને સરળતા મળશે.