જૂનાગઢના ભવનાથ ખાતે દેવઉઠી અગિયારસના પાવન અવસરે (૨૦મી નવેમ્બર મઘરાતે) ગરવા ગિરનારની ઐતિહાસિક લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે. કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ગેટ પરથી ભગવાન દત્તાત્રેયનું પૂજન, શ્રીફળ વધેરી અને પોલીસ બેન્ડની સુરાવલી સાથે પરિક્રમાને સત્તાવાર રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી. પરિક્રમાના પ્રારંભે સાધુ-સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગિરનારની ગોદમાં ભક્તોનો ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો.
મધ્યરાત્રિએ પૂજન-અર્ચના બાદ પરિક્રમાનો પ્રારંભ – પરિક્રમાના વિધિવત પ્રારંભ પ્રસંગે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ, જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુ સહિતના સાધુ-સંતોએ ભગવાન દત્તાત્રેયનું પૂજન કર્યું હતું. ત્યારબાદ શ્રીફળ વધેરી પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પોલીસ બેન્ડ સાથે પરિક્રમાનો પ્રારંભ થતાં ભક્તોમાં ઉત્સાહ જાવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, જૂનાગઢ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, આઈજી, એસપી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાખો પરિક્રમાર્થીઓની સુરક્ષા માટે પોલીસ અને વન વિભાગ તૈનાત – કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલનારી ૩૬ કિલોમીટરની ગિરનાર લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. પરિક્રમાર્થીઓની સુરક્ષા અને વ્યવસ્થા માટે ૨,૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તથા વન વિભાગના ૪૫૦થી વધુ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. ભવનાથથી શરૂ થતી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ગિરનારના જંગલ વિસ્તારમાંથી પસાર થઈ ધાર્મિક સ્થળો અને પ્રકૃતિનો અનુભવ કરશે.
૫૦ હજાર કાપડની થેલીઓનું વિતરણ, પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ – આ વર્ષે લીલી પરિક્રમાને પ્લાસ્ટિકમુક્ત બનાવવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા તૈયાર કરાયેલી સરકાર માન્ય ૫૦ હજાર કાપડની થેલીઓ સાધુ-સંતો અને અધિકારીઓના હસ્તે પરિક્રમાર્થીઓને વિતરણ કરવામાં આવી છે. પરિક્રમાના સમગ્ર ૩૬ કિલોમીટરના રૂટ પર પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાધુ-સંતો અને વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પ્રકૃતિનું જતન કરવા, વન્યજીવોની સુરક્ષા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે.
‘ગિરનારી મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે અને રાષ્ટ્રનું કલ્યાણ થાય’ – જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી અને ઋષિ-મુનિઓએ આગળ ધપાવેલી સનાતન ધર્મની પરંપરામાં સમગ્ર ભારતમાંથી લાખો ભક્તો ગિરનારની પરિક્રમા કરવા ઉમટી પડ્યા છે. ગયા વર્ષે વધુ વરસાદને કારણે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાઈ હતી, જેના કારણે ઘણા શ્રદ્ધાળુઓ આવી શક્યા નહોતા. આ વર્ષે ભક્તોની સંખ્યામાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ગિરનારી મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે અને રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.