અમરેલી નગરપાલિકામાં ફરજ બજાવતા ૨૫ સફાઈ કર્મચારીઓને હાઈકોર્ટના હુકમના આધારે કાયમી નિમણૂક આપવામાં આવી છે. રાજ્યના કાયદા અને ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, પી.પી. સોજીત્રા, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કર્મચારીઓના કાયમી નિમણૂકના કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યા હતા. પી.પી. સોજીત્રાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના હુકમના આધારે ૨૫ કર્મચારીઓને કાયમી નિમણૂકના હુકમ આપવામાં આવ્યા છે. બાકી રહેલા કેસોમાં પણ કર્મચારીઓને વહેલી તકે નિમણૂકના હુકમ આપવાની ખાતરી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ ૩૦થી ૩૫ કર્મચારીઓ કાયમી થવાના બાકી છે, જેમને પણ આગામી દિવસોમાં કાયમી કરવામાં આવશે.





































