શિયાળુ સીઝન દરમિયાન અમરેલી જિલ્લાના ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં સાવચેતી રાખવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ માત્ર લાયસન્સ ધરાવતા અધિકૃત વિક્રેતાઓ, સહકારી મંડળીઓ અને સરકારી સંસ્થાઓ પાસેથી જ ખરીદી કરવી જોઈએ. ખરીદી સમયે વેપારીની વિગતો, લોટ નંબર અને અન્ય જરૂરી માહિતી સાથેનું સહીવાળું પાકું બિલ અવશ્ય મેળવવું. મુદત પૂરી થયેલા ઇનપુટ્સની ખરીદી ટાળવી અને વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. અનધિકૃત વેચાણ જણાય તો તાલુકા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

































