સાવરકુંડલા સ્થિત સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મંદિરમાં ઠાકોરજીની ભવ્ય શણગાર આરતી અને છપ્પનભોગ મહાઅન્નકૂટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ઠાકોરજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને સ્વાદિષ્ટ વાનગીઓ સહિતનો છપ્પનભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. ઠાકોરજીના દિવ્ય અને મનમોહક શણગારના દર્શન કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. આરતી અને અન્નકૂટ દર્શન દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્‌યું હતું. રજત જયંતી મહોત્સવ અંતર્ગત યોજાતા ધાર્મિક કાર્યક્રમોને લઈને સાવરકુંડલા સહિત આસપાસના વિસ્તારોના હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર આયોજનમાં ભક્તિ અને શ્રધ્ધાનો માહોલ છવાયો હતો.