રાજુલાના ઘાંચીવાડ વિસ્તારમાં પ્રેમસંબંધના જૂના મનદુઃખને લઈને મારામારી અને જાનથી મારી નાખવાના પ્રયાસની ગંભીર ઘટના સામે આવી છે. તા. ૧૯/૧૧/૨૬ ના રોજ સાંજે ૫ઃ૪૫ વાગ્યે બનેલી આ ઘટના અંગે રાજુલા, ઘાંચીવાડ, તજનાશા પીરની દરગાહ નીચે રહેતા અને ટ્રક લે-વેચનો ધંધો કરતા ફરિયાદી અફજલભાઇ રજાકભાઇ ભોંકીયા (ઉં.વ. ૩૭) એ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, ફરિયાદીના પત્ની શહેનાજબેન સાથે આરોપી અલ્ફાજ પાયકને પ્રેમસંબંધ હોવાથી અગાઉ સમજાવટ કરાઈ હતી, પરંતુ તે ન સમજતા બોલચાલ બંધ હતી. તેનું મનદુઃખ રાખી અલ્ફાજ પાયક અને આમદ પાયકે સાહેદ ઇરફાનભાઇ ભોંકીયાને ગાળો આપી, માર મારી માથામાં પાઈપનો ઘા માર્યો હતો તથા તેમની સ્વીફ્ટ ડિઝાયર કાર નો પાછળનો કાચ તોડી નુકસાન કર્યું હતું. બાદમાં ઇકબાલ ચોકીયા, સાજીદ પાયક અને મુસ્તુફા કાળવાતરે મોટરસાઈકલ પર આવી લાકડા વડે હુમલો કર્યો હતો, જેમાં ઇકબાલે ફરિયાદીના માથામાં ઘોડિયાના લાકડાનો ઘા મારતા ૧૦ ટાંકા આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો સામા પક્ષે તજાનશા પીરની દરગાહ પાસે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ફરિયાદી આમદભાઇ જમાલભાઇ પાયક (ઉં.વ. ૫૨) એ બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, ફરિયાદીના ભત્રીજા અલ્ફાજ પાયકને આરોપી અફજલ ભોંકીયાના પત્ની શહેનાજબેન સાથે પ્રેમસંબંધ હોવાની શંકા અને મનદુઃખ રાખી આરોપી ઇરફાન ભોંકીયાએ ફરિયાદી તથા અલ્ફાજને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ અફજલ ભોંકીયાએ લાકડા વડે ફરિયાદીના માથામાં ઘા મારી ટાંકા આવે તેવી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.




































