લાઠી સબ ડિવિઝન હેઠળ દારૂબંધીના કાયદા અંતર્ગત નોંધાયેલા ૨૨ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલી વિદેશી દારૂની કુલ ૩૧,૪૩૨ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂની કુલ કિંમત રૂ. ૮૦,૪૯,૧૮૯ થવા જાય છે. લાઠી, દામનગર અને બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરાયેલો દારૂ લાઠી તાલુકાના કરકોળિયાથી બેડી ગામ તરફ જતા રસ્તા પર આવેલી પડતર જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી વિસ્મય માનસેતા, એસડીએમ પારસ ચૌહાણ, મામલતદાર રાજ્યગુરુ સહિતના અધિકારીઓ અને નિયુક્ત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નિયમ મુજબ દારૂનો નિકાલ કરાયો હતો.




































