સુપ્રીમ કોર્ટે દેશભરના તમામ રેલ્વે સ્ટેશનો પર મુસાફરો માટે સ્વચ્છ પાણી, સ્વચ્છ શૌચાલય, સ્વચ્છતા, કચરાનું વ્યવસ્થાપન, તબીબી સંભાળ અને અન્ય આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવાની માંગ કરતી અરજીનો નિકાલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે રેલ્વે મંત્રાલયને રેલ્વે સ્ટેશનો પર આવશ્યક સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રેલ્વે મંત્રાલયને તેના ઓડિટ રિપોર્ટમાં સીએજી દ્વારા કરવામાં આવેલી ભલામણોનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સીએજી રિપોર્ટના આધારે આ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
અરજીમાં જણાવાયું છે કે સીએજી દ્વારા સર્વે કરાયેલા ૫૧૨ રેલ્વે સ્ટેશનોમાંથી, ૪૫૮ સ્ટેશનો, અથવા ૮૯% થી વધુ, પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, શૌચાલય, પ્લેટફોર્મ શેલ્ટર, પંખા, વોટર કુલર અને સાઇનબોર્ડ જેવી ઓછામાં ઓછી આવશ્યક સુવિધાઓમાંથી એક અથવા વધુનો અભાવ હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે પેસેન્જર એમેનિટીઝ મેનેજમેન્ટ સિસ્ટમના ડેટા પુષ્ટિ કરે છે કે વિવિધ સ્ટેશન શ્રેણીઓ અને રેલ્વે ઝોનમાં આ ખામીઓ ચાલુ રહે છે. સીએજી એ જણાવ્યું હતું કે નિરીક્ષણ કરાયેલા રેલ્વે સ્ટેશનોમાંથી માત્ર ૧૧% માં જ લઘુત્તમ આવશ્યક સુવિધાઓ હોવાનું જોણવા મળ્યું હતું, અને ૫૧૨ સ્ટેશનોમાંથી માત્ર ૫૪ સ્ટેશનોમાં ધોરણો મુજબ બધી લઘુત્તમ આવશ્યક સુવિધાઓ હતી. અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે રેલ્વે આ સુવિધાઓ ફક્ત કાગળ પર જ નહીં, પરંતુ વ્યવહારમાં પણ લાગુ કરે. આ માટે સમયરેખા નક્કી કરવી, નિયમિત સ્ટેશન નિરીક્ષણ કરવું અને બેદરકાર અધિકારીઓને જવાબદાર ઠેરવવા જરૂરી છે.








































