બાબરા શહેરના અમરેલી રોડ વિસ્તારમાં માટલું બદલાવવાના બહાને કુંભારના ઘરે પહોંચેલા શખ્સે યુવતીની છેડતી કરી પિતા સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી છે. પ્રવીણભાઈ કાનજીભાઈ કુંભારના જણાવ્યા મુજબ, પરેશ મનુભાઈ શેરા બે દિવસ પહેલાં તેમની પાસેથી માટલું લઈ ગયા હતા. માટલું તૂટી ગયાનું કહી શુક્રવારે બપોરે બદલાવવા ઘરે આવ્યા હતા. આ દરમિયાન ધાબા પર માટલાં લેવા ગયેલી યુવતીનો હાથ પકડી લેતાં તેણે બૂમાબૂમ કરી હતી. પિતા બચાવવા દોડી જતાં તેમની સાથે ઝપાઝપી કરી હાથ પર બચકું ભર્યાનો આક્ષેપ છે. ત્યારબાદ ઘરમાં રાખેલાં માટલાંની તોડફોડ કરી અંદાજે રૂ. ૩૦ હજારનું નુકસાન પહોંચાડ્‌યું હતું. ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને બાબરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે પોલીસ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે.