રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના હાર્દસમા ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે બેદરકારીભર્યું કૃત્ય થયાની ચકચારી ઘટના સામે આવી છે. નગરપાલિકા કચેરીની બિલકુલ સામે સ્થાપિત આ પ્રતિમા પર લગાવેલા ચશ્મા કોઈ અજાણ્યા ટીખળખોરે ગાયબ કરી દીધા હોવાની વિગતો બહાર આવતાં સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી અને આક્રોશ જાવા મળી રહ્યો છે.
અતિ વ્યસ્ત અને લોકોની સતત અવરજવર ધરાવતા ત્રણ દરવાજા વિસ્તારમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. અગાઉ પણ આ જ પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થવાના બનાવો બની ચૂક્્યા છે. વારંવાર એક જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થવા છતાં તંત્ર દ્વારા કાયમી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવતાં જાહેર સ્મારકોની જાળવણી અને સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.
સ્થાનિક રહીશોના આક્ષેપો અનુસાર, પ્રતિમા પરથી ચશ્મા ગાયબ થયા બાદ તંત્ર દ્વારા માત્ર નવા ચશ્મા લગાવી દેવામાં આવે છે, પરંતુ ટીખળખોરો થોડા સમય બાદ ફરી ચશ્મા ઉતારી જાય છે. માત્ર ચશ્મા બદલી દેવાને બદલે જવાબદાર વ્યÂક્તઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.
બીજી તરફ, આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હોવા છતાં અસામાજિક તત્વોની ઓળખ ન થતાં તંત્રની દેખરેખ સામે પણ સવાલો ઉઠ્યા છે. કેમેરા ચાલુ સ્થિતિમાં છે કે કેમ અને ઘટના સમયના ફૂટેજ ચકાસવામાં આવ્યા છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા મળી નથી.
નોંધનીય છે કે, ૨૯ ઓગસ્ટ ૨૦૨૨ અને એપ્રિલ ૨૦૨૩માં પણ ધોરાજીમાં ગાંધીજીની પ્રતિમાના ચશ્મા ગાયબ થયાના અહેવાલો નોંધાયા હતા. ગાંધીજીની પ્રતિમા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને વિચારોનું પ્રતીક હોવાથી, નગરપાલિકા અને પોલીસ તંત્ર આ મામલે ગંભીરતા દાખવી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરે તેમજ કાયમી સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.









































