અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-૨ અને ફેઝ-૩ની કામગીરી પૂર્ણ થયા બાદ રિવરફ્રન્ટની કુલ લંબાઈ બંને કાંઠે મળીને ૪૦ કિ.મી. સુધી પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટના બંને ફેઝ અંતર્ગત ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે નિર્માણ પામી રહેલા ૬ લેનના બેરેજ કમ બ્રિજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ફેઝ-૨ હેઠળ સરદાર પટેલ એન્ક્લેવના કેનોપી સ્ટ્રક્ચર, કોટેશ્વર મહાદેવ મંદિર પાછળ અને ઇÂન્દરા બ્રિજ નીચે ચાલી રહેલા કામોની પણ સમીક્ષા કરી હતી.
ફેઝ-૩ અંતર્ગત સાબરમતીના પશ્ચિમ છેડે કોતરપુર સામે અને પૂર્વ તરફ કરાઈ નજીક નર્મદા કેનાલ એસ્કેપ પાસે ચાલી રહેલી કામગીરીની પ્રગતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન આઈ.પી. ગૌતમ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા.
રિવરફ્રન્ટના ફેઝ-૨ અંતર્ગત ડફનાળાથી ઇÂન્દરા બ્રિજ સુધી નદીના બંને કાંઠે વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત નદીની ૫.૫૦ કિ.મી. લંબાઈમાં બંને બાજુ મળીને કુલ ૧૧ કિ.મી.નો રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. જ્યારે ફેઝ-૩માં ઇÂન્દરા બ્રિજથી નર્મદા મેઈન કેનાલ સુધી નદીના બંને કાંઠે ૫ કિ.મી.ની લંબાઈમાં કુલ ૧૦ કિ.મી.નો રિવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન છે. આ બંને ફેઝ પૂર્ણ થતાં સાબરમતી રિવરફ્રન્ટની કુલ લંબાઈ બંને બાજુએ થઈને ૪૦ કિ.મી. થશે.
આ પ્રોજેક્ટનું વિશેષ આકર્ષણ ૬ લેનનો બેરેજ કમ બ્રિજ રહેશે. આ બ્રિજ ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમથી સંચાલિત થશે. ૩.૫ મીટર ઊંચાઈના એર ફિલ્ડ રબર ટાઈપ સ્પેશ્યલાઈઝ્ડ બેરેજની મદદથી ગાંધીનગર તરફના રિવરફ્રન્ટમાં પાણીનો સંગ્રહ કરી શકાશે.
ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ બેરેજ કમ બ્રિજ બનશે. નવા રિવરફ્રન્ટમાં ગ્રીન ઝોન, વૃક્ષારોપણ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર ઝોન, સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ તેમજ લોકો માટે વિવિધ લેવલ પર બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.









































