અમરેલીમાં ‘કેમ તારો ભાઈ ફોન ઉપાડતો નથી’ તેમ કહી ગાળો આપી, છરી બતાવી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે ખુશાલીબેન હરેશભાઈ ટાંક (ઉં.વ.૨૨) એ યુવરાજ ઉર્ફે શિવકુ બાબુભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેમના રહેણાક મકાનમાં ગુનાહિત અપપ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ‘કેમ તારો ભાઈ ફોન ઉપાડતો નથી અને તારું ઈન્સ્ટા આઈડી આપતો નથી?’ તેમ કહી ફરિયાદી તેમજ તેમના માતા-પિતાને ગાળો આપી હતી. આરોપીએ પોતાના પડખામાંથી છરી કાઢી, તેમને તથા તેમના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન તેમનો ભાઈ આવી જતાં આરોપીએ તેને ઢીકાપાટુનો માર મારી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના પિતાના શર્ટના ઉપરના ખિસ્સામાંથી રૂ. ૨,૬૦૦ રોકડા કાઢી લૂંટ ચલાવી હતી. આરોપીએ ફરિયાદીનું ટી-શર્ટ પકડતાં તેમના માતા-પિતા અને ભાઈ વચ્ચે પડ્યા હતા, જેથી આરોપીએ તેમના પિતાનું માથું દીવાલ સાથે ભટકાવ્યું હતું અને ફરિયાદીની આબરૂ લેવાના ઈરાદે ટી-શર્ટ ખેંચી, બથ ભરી છાતીએ હાથ મૂકી જાતીય સતામણી કરી હતી. તેમજ આરોપીએ બે કલાક સુધી તેમને અને તેમના પરિવારના સભ્યોને ઘરમાં ગેરકાયદેસર અટકાયતમાં બેસાડી રાખી ક્યાંય જવા દીધા નહોતા.બાદમાં બીજી વાર આરોપી તેમના રહેણાક મકાનની વંડી ટપી ગેરકાયદે પ્રવેશ કરી ખુલ્લી છરી લઈને આવ્યો હતો અને દરવાજો ખોલવાનું કહી તેમને તેમજ સાહેદોને ગાળો આપી હતી. આ ઉપરાંત, તેમના ભાઈની મોટરસાયકલ પછાડી દઈ, મકાનના રસોડાની તેમજ અન્ય બારીઓના કાચ હાથથી અને છરી વડે તોડી નાખી આશરે પાંચથી દસ હજાર રૂપિયાનું નુકસાન કરી નાસી ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. આર. આર. પરમાર આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.









































