રાજકારણના એપીસેન્ટર સમાન વિસાવદર વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક આગેવાનો અને લેઉવા પટેલ સમાજની સતત થઈ રહેલી ઉપેક્ષા સામે હવે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના કારણે સ્થાનિક આગેવાનો અને લેઉવા પટેલ સમાજની ઉદ્યોગપતિઓ મેદાને આવ્યા છે. લેઉવા પટેલની સમાજની રાજકીય તાકાત દર્શાવવા માટે વિસાવદર તાલુકાના સુખપુર ગામે અંદાજે ૨૫,૦૦૦ લેઉવા પાટીદારોનું વિશાળ સંમેલન યોજાવા જઈ રહ્યું છે.
વિસાવદરના લેઉવા પટેલ સમાજના અગ્રણી અને સુરતના ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણીએ પક્ષોની નીતિ સામે ખુલ્લો બળાપો ઠાલવ્યો છે. અગાઉ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રાતીધારના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર જિલ્લાના ગોપાલ ઈટાલીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ બાબત સાબિત કરે છે કે રાજકીય પક્ષો સતત સ્થાનિક પ્રતિભાને અવગણી રહ્યા છે.
“શું વિસાવદરમાં સક્ષમ અને સારા નેતાઓની કોઈ જ ખોટ છે?” તેવા ગંભીર સવાલો આજે રાજનીતિ સાથે જાડાયેલા પંડિતો ચર્ચા કરી રહ્યા છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને પોતાની રાજકીય તાકાત દર્શાવવા માટે વિસાવદર તાલુકાના સુખપુર ગામે અંદાજે ૨૫,૦૦૦ લેઉવા પાટીદારોનું વિશાળ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન પૂર્વે પટેલ સમાજની તમામ અગ્રણી સંસ્થાઓ, કેળવણી મંડળો, સમાજની વાડીઓ અને વિવિધ આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
આયોજકોના જણાવ્યા અનુસાર, આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કે ‘આપ’ અગાઉ જેવી ભૂલો ન દોહરાવે તે માટે પક્ષોની આંખ ઉઘાડવાનો આ કાર્યક્રમ છે. આ આંદોલન કોઈ ચોક્કસ રાજકીય પક્ષના વિરોધ માટે નથી, પરંતુ વિસાવદરના સ્થાનિક લોકોને રાજકીય રીતે યોગ્ય પ્રતિનિધિત્વ અને હક્ક-અધિકાર અપાવવા માટે છે. જે પક્ષ સ્થાનિક પ્રજાના સાચા હિતને પ્રાધાન્ય આપશે, સમાજ ભવિષ્યમાં તેને જ સમર્થન આપશે.