જીવનમાં દરેક વ્યક્તિને ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. સફળતા અને નિષ્ફળતા જીવનના એવા બે પડાવ છે, જે આપણને ઘણું શીખવી જાય છે. ખાસ કરીને ચૂંટણીના મેદાનમાં હાર અને જીત એક સિક્કાની બે બાજુ સમાન છે. અહીં કોઈ એક વ્યક્તિની જીત એ બીજા વ્યક્તિની હાર બની શકે છે, પરંતુ સાચા અર્થમાં ચૂંટણીનું પરિણામ કોઈના વ્યક્તિત્વનું અંતિમ પ્રમાણપત્ર નથી.
ચૂંટણી માત્ર મત મેળવવાની પ્રક્રિયા નથી, પરંતુ લોકોના વિશ્વાસ, સંબંધો, વિચારો અને સેવાભાવની કસોટી પણ છે. ચૂંટણીમાં ઉમેદવાર પોતાની શક્તિ મુજબ પ્રયત્ન કરે છે, મતદારોને મળે છે, પોતાની વાત રજૂ કરે છે અને વિજયની આશા રાખે છે. પરંતુ અંતિમ નિર્ણય મતદારોના હાથમાં હોય છે. લોકશાહીમાં જનતાનો નિર્ણય સર્વોપરી છે. તેથી પરિણામ જે આવે તેને સહજતાથી સ્વીકારવું એ જ સાચી લોકશાહીનું સૌંદર્ય છે.
જીત એ જવાબદારી છે, જ્યારે હાર એ આત્મમંથનની તક છે.જીતનાર વ્યક્તિએ ક્યારેય એવું ન માનવું જોઈએ કે તેનાથી વધુ સમજદાર કે સક્ષમ કોઈ નથી. જીત એ અહંકાર કરવાનો અવસર નહીં, પરંતુ લોકોના વિશ્વાસને સાર્થક કરવાનો સંકલ્પ છે. જે લોકોએ મત આપ્યા છે તેમનું કામ કરવું એ તો જવાબદારી છે જ, પરંતુ જેમણે મત નથી આપ્યા તેમનાં હિતોનું ધ્યાન રાખવું એ પણ એટલી જ મહ¥વની ફરજ છે. સાચો વિજેતા એ નથી જે માત્ર ચૂંટણી જીતે, પરંતુ એ છે જે લોકોનાં દિલ જીતી લે.
બીજી તરફ, હારનાર વ્યક્તિએ પણ નિરાશ થઈને મેદાન છોડી દેવું જોઈએ નહીં. ચૂંટણીમાં હારનો અર્થ એ નથી કે તમારી મહેનત વ્યર્થ ગઈ કે તમારામાં ક્ષમતા નથી. ક્યારેક સંજોગો વિરુધ્ધ હોય છે, ક્યારેક લોકોની પસંદગી અલગ હોય છે અને ક્યારેક આપણી કેટલીક ભૂલો પણ પરિણામને અસર કરે છે. સમજદાર વ્યક્તિ હારમાંથી શીખે છે, પોતાની ખામીઓ સુધારે છે અને વધુ મજબૂત બનીને આગળ વધે છે.
યાદ રાખવું જોઈએ કે ચૂંટણી પૂરી થાય છે, પરંતુ સંબંધો પૂરા ન થવા જોઈએ. ચૂંટણી પહેલાં જે લોકો સાથે હળીમળીને કામ કર્યું હોય, તેમની સાથે પરિણામ પછી પણ સ્નેહ અને સન્માન જળવાઈ રહેવું જોઈએ. વિરોધી ઉમેદવારને દુશ્મન માનવો એ લોકશાહીની ભાવનાની વિરુધ્ધ છે. વિચારો અલગ હોઈ શકે, પસંદગીઓ અલગ હોઈ શકે, પરંતુ હૃદયમાં કડવાશ હોવી જરૂરી નથી.
ખાસ કરીને સહકારી સંસ્થાઓ અને સામાજિક સંગઠનોની ચૂંટણીઓમાં સૌએ યાદ રાખવું જોઈએ કે આપણે એક જ પરિવારના સભ્યો છીએ. ચૂંટણી પહેલાં પક્ષ અને ઉમેદવાર અલગ હોઈ શકે, પરંતુ ચૂંટણી પછી સૌનું લક્ષ્ય સંસ્થાનો વિકાસ અને સભ્યોનું હિત હોવું જોઈએ. વિજેતાએ સૌને સાથે રાખવા જોઈએ અને પરાજિત ઉમેદવારે પણ સંસ્થાના સારા કાર્યમાં સહકાર આપવો જોઈએ. કારણ કે વ્યક્તિ કરતાં સંસ્થા મોટી અને સ્વાર્થ કરતાં સભ્યોનું હિત મહત્વનું છે. જીવનમાં હાર અને જીત કાયમી નથી. આજે જે જીત્યો છે તે કાલે હારી પણ શકે છે અને આજે જે હાર્યો છે તે આવતીકાલે વિજયી પણ બની શકે છે. સમયનું ચક્ર સતત ફરતું રહે છે. તેથી જીતમાં નમ્રતા અને હારમાં ધીરજ જાળવનાર વ્યક્તિ જ સાચા અર્થમાં મહાન બને છે. અંતે એટલું જ કહેવું છે કે ચૂંટણીમાં મળેલી જીત કે હાર કરતાં આપણું વર્તન, આપણા સંસ્કાર અને આપણા સંબંધો વધુ મહત્વના છે. મતની ગણતરીથી વિજેતા નક્કી થાય છે, પરંતુ દિલની ઉદારતાથી વ્યક્તિનું વ્યક્તિત્વ ઓળખાય છે. હાર મળે તો શીખવું, જીત મળે તો ઝૂકવું,સંબંધોની સુવાસથી સૌનાં દિલમાં મહેકવું.કારણ કે ચૂંટણીનો વિજય થોડા સમયનો હોઈ શકે છે, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને માનવતા દ્વારા મેળવેલો વિજય જીવનભર યાદ રહે છે.
નથી સાચી જીત માત્ર સત્તા કે પદ મેળવવામાં,સાચી જીત તો છે સૌનાં દિલમાં સ્થાન બનાવવામાં.કારણ કે ચૂંટણીમાં જીતનારને પદ મળે છે, પરંતુ સૌનાં દિલ જીતનારને સાચું સન્માન મળે છે !






































