માણસ આખી જિંદગી સુખની શોધમાં દોડતો રહે છે. કોઈને વધુ પૈસા જોઈએ છે, કોઈને મોટું ઘર, કોઈને ઊંચું પદ તો કોઈને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા વધારવી છે. પરંતુ આ બધું મેળવ્યા પછી પણ મનને શાંતિ મળે જ એવું નથી. ઘણી વખત સુખની શોધમાં આપણે જીવનને એટલું જટિલ બનાવી દઈએ છીએ કે સુખ આપણી સામે હોવા છતાં તેને અનુભવી શકતા નથી. હકીકતમાં જીવન જેટલું સાદું અને સરળ હશે, મન તેટલું જ વધુ શાંત અને ખુશ રહેશે.
સરળ જીવનનો અર્થ એ નથી કે માણસે પોતાની મહત્વાકાંક્ષા છોડી દેવી કે સુવિધાઓનો ત્યાગ કરી દેવો. સરળ જીવન એટલે જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો તફાવત સમજવો. જે જરૂરી છે તેને સ્વીકારવું અને જે માત્ર દેખાદેખી કે સ્પર્ધાના કારણે જોઈએ છે તેને છોડતા શીખવું.
આપણે ઘણી વખત બીજાના જીવન સાથે પોતાના જીવનની સરખામણી કરીએ છીએ. કોઈ નવી ગાડી લે તો આપણને પણ નવી ગાડી જોઈએ, કોઈ મોટું ઘર બનાવે તો આપણને પણ મોટું ઘર જોઈએ, કોઈ વિદેશ પ્રવાસે જાય તો આપણને પણ ત્યાં જવાની ઈચ્છા થાય. આ સરખામણી મનમાં અસંતોષ ઊભો કરે છે. જ્યારે આપણે પોતાની પાસે જે છે તેની કિંમત સમજીએ છીએ ત્યારે જીવનમાં સંતોષ જન્મે છે.
એક નાનું ઘર હોય, પરંતુ તેમાં પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ હોય તો એ ઘર મહેલ કરતાં પણ સુખી બની શકે. બીજી તરફ, મોટું ઘર, મોંઘી વસ્તુઓ અને બધી સુવિધાઓ હોવા છતાં જો મનમાં અશાંતિ હોય તો જીવનમાં ખાલીપો અનુભવાય છે. એટલે સુખ વસ્તુઓની સંખ્યામાં નહીં, પરંતુ તેને માણવાની આપણી ક્ષમતામાં રહેલું છે.
સરળ જીવનનો બીજો અર્થ છે;ઓછું બોલવું, ઓછું વિચારવું અને વધુ સમજવું. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. દરેક ટીકા દિલ પર લેવી જરૂરી નથી. દરેક સંબંધમાં પોતાને સાચા સાબિત કરવા જરૂરી નથી. કેટલીક બાબતો સમય પર છોડી દેવી અને કેટલીક બાબતોને હસીને પસાર કરી દેવી એ પણ જીવન જીવવાની એક કળા છે.
મનને સૌથી વધુ થકાવનાર વસ્તુ કામ નહીં, પરંતુ અનાવશ્યક વિચારો છે. ભૂતકાળની ભૂલોનો અફસોસ અને ભવિષ્યની ચિંતા માણસને વર્તમાનથી દૂર કરી દે છે. જ્યારે માણસ વર્તમાન ક્ષણને સ્વીકારીને જીવવાનું શીખે છે ત્યારે જીવન આપોઆપ સરળ બનવા લાગે છે.
પ્રકૃતિ પણ આપણને સાદગીનો પાઠ શીખવે છે. સૂર્ય રોજ ઉગે છે, વૃક્ષો નિઃસ્વાર્થ છાંયો આપે છે, નદી સતત વહે છે.પ્રકૃતિના આ તત્વોમાં કોઈ દેખાડો નહીં, કોઈ ફરિયાદ નહીં. સાદગીમાં જ તેમની સુંદરતા છે.
અંતે જીવનમાં કેટલું મેળવ્યું તે કરતાં કેટલું શાંતિથી જીવ્યા અને કેટલાને સુખ આપ્યું એ વધુ મહત્વનું છે. જીવનને અનાવશ્યક અપેક્ષાઓ, સરખામણીઓ, અહંકાર અને ચિંતાઓથી મુક્ત કરીએ તો મનમાં શાંતિનો અનુભવ થવા લાગે છે.
કારણ કે સાચું સુખ બહારની દુનિયા બદલવાથી નહીં, પરંતુ આપણી અંદરની દુનિયા સરળ બનાવવાથી મળે છે. સુખ ઘણી વખત વસ્તુઓમાં નહીં, દૃષ્ટિકોણમાં છુપાયેલું હોય છે.જરૂરિયાત ઓછી કરો તો સુખ વધે, અપેક્ષા ઓછી કરો તો શાંતિ વધે અને જીવન સરળ બનાવો તો દરેક દિવસ પોતે જ સુંદર બની જાય. જીવનને સરળ બનાવવું હોય તો ત્રણ વસ્તુઓ ઓછી કરવી જોઈએ;અપેક્ષા, સરખામણી અને અહંકાર. અને ત્રણ વસ્તુઓ વધારવી જોઈએ;સંતોષ,
કૃતજ્ઞતા અને પ્રેમ.