જીભ ચલાવવી અને જીવન ચલાવવામાં ઘણો ફરક છે… “જીવનમાં સલાહ આપનારા ઘણા મળશે, પણ એ સલાહના પરિણામો ભોગવનાર આપણે જ હોઈશું.”
માણસ સામાજિક પ્રાણી છે. જીવનના દરેક તબક્કે તેને કોઈને કોઈની સલાહ મળતી રહે છે. ક્યારેક પરિવાર તરફથી, ક્યારેક મિત્ર તરફથી, ક્યારેક સંબંધીઓ તરફથી તો ક્યારેક એવા લોકો તરફથી પણ, જેમને આપણા જીવનની હકીકતનો પૂરો ખ્યાલ પણ નથી હોતો. સલાહ આપવી સહેલી છે, પરંતુ સલાહ પ્રમાણે જીવન જીવવું એટલું સહેલું નથી. એટલે જ જીવનમાં એક વાત યાદ રાખવી જોઈએ કે બધાની બધી સલાહ માનવી જરૂરી નથી. દરેકની વાત સાંભળવી એ સંસ્કાર છે, પરંતુ દરેકની વાત માની લેવી એ સમજદારી નથી. કારણ કે જીભ ચલાવવી અને જીવન ચલાવવામાં જમીન-આસમાનનો ફરક છે. એક વ્યક્તિ આપણને કહે, “ધંધો શરૂ કરી દો, બહુ પૈસા છે.” બીજી વ્યક્તિ કહે, “નોકરી જ સારી છે.” બંને પોતાની જગ્યાએ સાચા હોઈ શકે, પરંતુ આપણું જીવન, આપણી આર્થિક સ્થિતિ, પરિવારની જવાબદારી, જોખમ લેવાની ક્ષમતા અને ભવિષ્યની જરૂરિયાતો આપણને જ ખબર હોય છે. એટલે અંતિમ નિર્ણય પણ આપણે જ વિચારપૂર્વક લેવો જોઈએ.
એક નાનકડું ઉદાહરણ…
એક યુવાને સારી નોકરી છોડીને ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો. મિત્રોએ કહ્યું, “તારા માટે ધંધો યોગ્ય નથી.” કેટલાકે કહ્યું, “નોકરીમાં જ સલામતી છે.” પરંતુ તેણે પોતાની ક્ષમતા, મૂડી અને અનુભવનું મૂલ્યાંકન કર્યું. શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, નુકસાન પણ થયું, પરંતુ ધીરજ અને મહેનતથી ધીમે ધીમે ધંધો ઊભો કર્યો. અહીં મુદ્દો એ નથી કે ધંધો કરવો કે નોકરી કરવી. મુદ્દો એ છે કે બીજાની સલાહ સાંભળ્યા પછી પોતાના સંજોગોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
જીવનમાં સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે આપણે બીજાની જિંદગીના અનુભવને પોતાના જીવનનો નિયમ બનાવી દઈએ છીએ. કોઈ કહે, “આ સંબંધ રાખશો તો દુઃખી થશો.” કોઈ કહે, “આ માણસ પર વિશ્વાસ ન કરશો.” પરંતુ સંબંધોની ઊંડાઈ અને પરિસ્થિતિની સંપૂર્ણ હકીકત કદાચ આપણને જ ખબર હોય. તેથી બીજાની વાતને તરત સાચી કે ખોટી ગણવાને બદલે વિચારવું જોઈએ. સાચી સલાહ ક્યારેય આપણો નિર્ણય છીનવી લેતી નથી; તે આપણને વધુ સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરે છે. એટલે સલાહ આપનાર વ્યક્તિ કોણ છે તે પણ મહત્વનું છે. જે વ્યક્તિએ પોતે સંઘર્ષ જોયો હોય, અનુભવ મેળવ્યો હોય અને આપણા હિતને સમજીને વાત કરતી હોય તેની સલાહને ગંભીરતાથી વિચારવી જોઈએ. પરંતુ માત્ર બોલવાની કળા સારી છે એટલે તેની દરેક વાત સાચી હોય એવું માનવું યોગ્ય નથી.
જીવનનું સ્ટિયરિંગ આપણા હાથમાં છે. બીજા લોકો રસ્તો બતાવી શકે, ચેતવણી આપી શકે, અનુભવ જણાવી શકે; પરંતુ વાહન કઈ દિશામાં લઈ જવું તેનો અંતિમ નિર્ણય આપણો હોવો જોઈએ. આ વાત સંબંધોમાં પણ એટલી જ લાગુ પડે છે. ક્યારેક લોકો કહે છે, “લોકો શું કહેશે?” પરંતુ જો દરેક નિર્ણય લોકો શું કહેશે તેના આધારે લેવામાં આવે તો માણસ પોતાનું જીવન ક્યારે જીવશે? જીવન આપણું છે, એટલે જવાબદારી પણ આપણી છે. સફળતા મળે ત્યારે પ્રશંસા કરનારા ઘણા મળશે, પરંતુ નિષ્ફળતા આવે ત્યારે તેની પીડા આપણને જ સહન કરવાની રહેશે. તેથી નિર્ણય લેતી વખતે ભીડની નહીં, બુધ્ધિની વાત સાંભળવી જોઈએ. હા, અહંકારથી કોઈની સલાહ નકારવી પણ યોગ્ય નથી. સલાહ સાંભળવી, મનન કરવું, યોગ્ય-અયોગ્યનું તોલમાપ કરવું અને પછી પોતાની સમજથી નિર્ણય લેવો આ જ સાચી સમજદારી છે. કારણ કે…જીભથી કોઈને રસ્તો બતાવવો સહેલો છે, પણ એ રસ્તા પર ચાલવું મુશ્કેલ છે. બીજાના જીવનની વાર્તા કહેવી સહેલી છે, પણ પોતાની જિંદગીની વાર્તા જીવવી મુશ્કેલ છે. સલાહ બધાની સાંભળો, પણ નિર્ણય તમારી સમજથી લો. વાત બધાની વિચારો,પણ પગલું પોતાની જવાબદારીથી ભરો. કારણ કે લોકો સલાહ આપીને આગળ વધી જશે, પણ એ નિર્ણયનું સુખ કે દુઃખ તમારે જ આખી જિંદગી ભોગવવાનું છે.

“વાતોના વાદળો તો સૌ વરસાવી જાય છે,
જીવનના તડકામાં ઊભા રહે એ જ પોતાના છે;
સલાહ આપનારા અનેક મળી જશે રસ્તામાં,
પણ પગલાં ક્યાં મૂકવા,એ નક્કી કરવાનું આપણે જ છે.”