ગણિતમાં અનેક સમીકરણો હોય છે,તેને ઉકેલવા સહેલા હોય છે પરંતુ સૌથી અઘરું અને સૌથી સંવેદનશીલ સમીકરણ જીવનમાં સંબંધોનું સમીકરણ છે. ગણિતના સમીકરણમાં આંકડાઓનું સંતુલન બેસાડવું પડે છે, જ્યારે સંબંધોના સમીકરણમાં લાગણી, વિશ્વાસ, સમજણ, અપેક્ષા અને ત્યાગનું સંતુલન જાળવવું પડે છે.
સંબંધો લોહીના હોય કે લાગણીના, મિત્રતાના હોય કે વ્યવસાયિક;દરેક સંબંધની પોતાની એક ભાષા હોય છે. ક્યાંક શબ્દો જરૂરી બને છે, તો ક્યાંક માત્ર મૌન જ ઘણું કહી જાય છે. પરંતુ આજના સમયમાં સંબંધોમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપણે સમજવા કરતાં સમજાવવાની અને સાંભળવા કરતાં સંભળાવવાની ઉતાવળ વધારે રાખીએ છીએ.
ઘણા સંબંધો કોઈ મોટી ભૂલને કારણે તૂટતા નથી, પરંતુ નાની-નાની ગેરસમજણો, અહંકાર અને અપેક્ષાઓના ભારથી ધીમે ધીમે નબળા પડતા જાય છે. એક વ્યક્તિ વિચારે છે કે, “એણે મને ફોન કેમ ન કર્યો?” બીજી વ્યક્તિ વિચારે છે, “મારે કામમાંથી નવરાશ મળે ત્યારે ફોન કરીશ.” બંને પોતાની જગ્યાએથી એક બીજાને યાદ તો કર્યા કરે છે પણ આ રીતે વિચારીને યાદ કરે છે.પરિણામે ફી હોય તે સાચા હોવાનો આગ્રહ રાખે છે અને વ્યસ્ત હોય તે મનમાં વસવસો વ્યક્ત કરે છે.પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સમજ્યા વગરનું અનુમાન કે અપેક્ષા બે વ્યક્તિ વચ્ચેનું અંતર વધારે છે.
સંબંધોનું સુંદર સમીકરણ ત્યારે બને છે જ્યારે તેમાં ‘હું’ કરતાં ‘આપણે’નું મહત્વ વધારે હોય. સંબંધોમાં હંમેશાં પોતાનું જ સાચું સાબિત કરવાનો પ્રયાસ કરવો જરૂરી નથી. ઘણી વખત સંબંધ બચાવવા માટે સાચા હોવા છતાં થોડું મૌન ધારણ કરવું પડે છે. કારણ કે કેટલીક દલીલો આપણને જીતાડે છે, પરંતુ સંબંધને હરાવી દે છે.
સંબંધોમાં અપેક્ષા સ્વાભાવિક છે, પરંતુ અતિશય અપેક્ષા સંબંધોને ભારરૂપ બનાવી દે છે. આપણે સામેની વ્યક્તિ પાસેથી જે અપેક્ષા રાખીએ છીએ, તે જ માપદંડથી તેની કસોટી કરીએ છીએ. પરંતુ દરેક વ્યક્તિની પરિસ્થિતિ, વિચારવાની રીત અને લાગણીઓ અલગ હોય છે. તેથી તંદુરસ્ત સબંધો જાળવી રાખવા માટે સમજણનું પ્રમાણ વધારવું અને અપેક્ષાનું પ્રમાણ ઘટાડવું જરૂરી છે.
સારા સંબંધોની સૌથી મજબૂત ઈંટ છે ઃવિશ્વાસ. વિશ્વાસ એક દિવસમાં ઊભો થતો નથી પણ એક ક્ષણમાં તૂટી શકે છે. એકવાર વિશ્વાસમાં તિરાડ પડે પછી સંબંધ ઉપરથી સામાન્ય દેખાય છતાં અંદરથી ખાલી થઈ શકે છે. એટલે સંબંધોમાં પારદર્શિતા અને પ્રામાણિકતા ખૂબ જરૂરી છે.અને સામસામે બન્ને વ્યક્તિમાં નિખાલસતા,સહજતા અને મેચ્યોરિટી પણ એટલી જ જરૂરી છે.
માતા-પિતા અને સંતાનો, પતિ-પત્ની, ભાઈ-બહેન, મિત્રો કે સહકર્મીઓ આ બધા સંબંધને મોટે ભાગે સમય જોઈતો હોય છે. પૈસા આપવાથી ઘણી વસ્તુઓ ખરીદી શકાય છે, પરંતુ જરૂરિયાતના સમયે હાજરી અને લાગણી આપ્યા વગર સંબંધોની ઉષ્મા ખરીદી શકાતી નથી. ક્યારેક વર્ષોનો સહવાસ કડવો લાગવા માંડે છે તો ક્યારેક પાંચ મિનિટનો પ્રેમભર્યો સંવાદ પણ વર્ષોની નારાજગી ઓગાળી શકે છે.ગણિતના સમીકરણો મોટે ભાગે જોપઅને તોપ.ની થિયરીથી ઉકેલી શકાતા હોય છે ,જ્યારે જીવનના સબન્ધરૂપી સમીકરણો જોપઅને તોપની દલીલો અને તર્કથી નહીં પણ જે છે તેનો સહજ સ્વીકાર કરવાથી સરળતાથી ઉકેલી શકાય છે.
સંબંધોમાં માફી પણ ખૂબ મોટું મૂલ્ય ધરાવે છે. ભૂલ દરેકથી થાય છે, પરંતુ માફ કરવાની ક્ષમતા દરેકમાં હોતી નથી. માફ કરવું એટલે ભૂલને સાચી ઠેરવવી નહીં, પરંતુ પોતાના મનને ભારમુક્ત કરવું. સંબંધો સાચવવા માટે ક્યારેક એક પગલું આપણે પાછળ હટવું પડે છે, કારણ કે દરેક સંબંધમાં કોણ સાચું છે એ કરતાં સંબંધ સાચો રહે એ વધુ મહત્વનું છે.
અંતે એટલું જ કહી શકાય કે જીવનની સફળતા માત્ર પૈસા, પદ કે પ્રતિષ્ઠાથી માપી શકાય નહીં. જીવનના અંતે આપણી પાસે કેટલા લોકો હતા, જેઓ આપણને દિલથી યાદ કરે છે,એ પણ જીવનની મોટી કમાણી છે.આમ સંબંધોના સમીકરણો ઉકેલવા કરતા સહજ રીતે સ્વીકારી લેવાથી સબંધો જાળવી શકાય છે.









































