રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને પગલે રાજુલા ડેપોને ત્રણ નવી એસ.ટી. બસો ફાળવવામાં આવી છે. રાજુલા ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગુજરાત નિયંત્રણ બજાર સંઘના ચેરમેન જીગ્નેશભાઈ પટેલની રજૂઆતોને પગલે નવી બસો શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. બસ સેવા શરૂ થતાં રાજુલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરો, વિદ્યાર્થીઓ અને દૈનિક અપ-ડાઉન કરતા નાગરિકોને વધુ સુવિધાસભર અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. આ પ્રસંગે ભાજપના આગેવાનો, રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલભાઈ વોરા, યુવા ભાજપના હોદ્દેદારો, ડેપો મેનેજર તથા ડેપો અને વર્કશોપનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.










































