અમરેલી શહેરમાં તા. ૨૨/૧૧/૨૬ના રોજ બપોરે ૦૩ઃ૩૦ વાગ્યે છરી વડે હુમલાનો બનાવ બન્યો હતો. બહારપરા વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય રિક્ષાચાલક તુષારભાઇ નવલભાઇ પરમાર અમરેલીના ખાટકીવાડના ખૂણે રામામંડળનું આખ્યાન જોવા ગયા હતા. આ દરમિયાન આરોપી યાસીન ઉર્ફે જીવો અબ્દુલભાઇ સેલોત (રહે. ગઢની રાંગ, અમરેલી) ત્યાં ગાળો બોલતો આવ્યો હતો. તુષારભાઇએ તેની સામે જોતા આરોપીએ ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને થોડીવાર બાદ ફરી આવી છરી બતાવી “ઘા તો મારીશ જ” તેવી ધમકી આપી હતી.તુષારભાઇ ઘરે દોડી ગયા હતા અને પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ તેઓ માતા-પિતા સાથે બહારપરા પોલીસ ચોકીએ ફરિયાદ કરવા જઈ રહ્યા હતા, ત્યારે રોનક પાનના ગલ્લા પાસે આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીના પિતાને હાથ અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી, જ્યારે ફરિયાદી અને તેમના માતાને છરીથી ઉજરડા પડ્‌યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.