માણસનું જીવન ઇચ્છાઓનું સરનામું છે. દરેક વ્યક્તિ પોતાના જીવન માટે અનેક સપનાં જુએ છે, યોજનાઓ ઘડે છે અને તેને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે. છતાં ઘણી વખત એવું બને છે કે આપણી ધારણા મુજબ પરિણામ મળતું નથી. એ સમયે મનમાં નિરાશા, ફરિયાદ અને પ્રશ્નો જન્મે છે. પરંતુ સમય જતાં સમજાય છે કે આપણી ઇચ્છાઓ કરતાં ઈશ્વરની યોજનાઓ ઘણી ઉત્તમ હોય છે.
‘‘મનુષ્ય વિચારે એક, પરંતુ ઈશ્વર વિચારે અનેક.’’ આ કહેવત જીવનનું એક શાશ્વત સત્ય રજૂ કરે છે. માણસ પોતાની બુધ્ધિ અને અનુભવોના આધારે જીવન માટે અનેક સપનાં જુએ છે. તે પોતાની ઇચ્છાઓ મુજબ જીવન ગોઠવવા માંગે છે. પરંતુ જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે કે જ્યાં આપણી બધી યોજનાઓ નિષ્ફળ જાય છે. તે સમયે મનમાં નિરાશા, હતાશા અને ફરિયાદ જન્મે છે. પરંતુ સમય પસાર થયા પછી સમજાય છે કે જે બન્યું તે ખરેખર આપણા હિતમાં જ હતું.
આપણી દૃષ્ટિ ખૂબ મર્યાદિત છે. આપણે માત્ર વર્તમાન જોઈ શકીએ છીએ, જ્યારે ઈશ્વર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયને એકસાથે જોઈ શકે છે. જેમ એક બાળકને કડવી દવા પીવી ગમતી નથી, પરંતુ માતા જાણે છે કે તે દવા તેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેવી જ રીતે, જીવનમાં મળતા કેટલાક દુઃખો અને નિષ્ફળતાઓ પણ આપણા ભવિષ્યના સુખનું બીજ બની રહે છે.
મહાભારતનું ઉદાહરણઃ પાંડવોને જીવનભર અનેક કષ્ટો ભોગવવા પડ્યા. જુગારની રમતમાં રાજ્ય ગુમાવ્યું, બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ સહન કર્યો. જો એ સમયે પાંડવો ઈશ્વરની યોજનાને ન સમજી શક્યા હોત, તો કદાચ તેઓ તૂટી પડ્યા હોત.પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ પરના અખૂટ વિશ્વાસે તેમને ટકાવી રાખ્યા. અંતે સત્યનો વિજય થયો અને ધર્મની સ્થાપના થઈ. જો શરૂઆતમાં જ તેમની દરેક ઇચ્છા પૂર્ણ થઈ ગઈ હોત, તો કદાચ મહાભારતમાંથી વિશ્વને ધર્મ અને કર્મનો અમૂલ્ય સંદેશ ન મળ્યો હોત.
શ્રી રામના જીવનમાંથી બોધઃ ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક થવાનો હતો. સમગ્ર અયોધ્યા આનંદમાં હતી. પરંતુ એક જ ક્ષણમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ અને તેમને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો. જો માત્ર માનવીય દૃષ્ટિએ જોઈએ તો આ ઘટના અન્યાયપૂર્ણ લાગશે. પરંતુ ઈશ્વરની યોજનામાં રાવણનો સંહાર, ઋષિઓનું રક્ષણ અને ધર્મની સ્થાપના છુપાયેલી હતી. વનવાસ વિના ‘‘રામાયણ’’નો મહાન આદર્શનો ઉદય થયો ન હોત.
એક પ્રેરક ઘટનાઃ એક યુવાને ખૂબ મહેનત કરીને સરકારી નોકરીની પરીક્ષા આપી. તેને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તેની પસંદગી થશે. પરંતુ
પરિણામમાં તે નિષ્ફળ ગયો. તે ખૂબ દુઃખી થયો અને ભગવાનને દોષ આપવા લાગ્યો. થોડા મહિનાઓ પછી તેને ખાનગીક્ષેત્રમાં વધુ સારી તક મળી. ત્યાં તેને વધુ સારો પગાર, વિકાસની તકો અને સંતોષકારક જીવન મળ્યું. વર્ષો પછી તેણે સ્વીકાર્યું કે જો તે પ્રથમ પરીક્ષામાં પાસ થઈ ગયો હોત, તો કદાચ જીવનની આ સુંદર તક ક્યારેય મળી ન હોત. બીજી એક ઘટના સમજીએઃ ક્યારેક ક્યાંક લાંબી યાત્રા કે પ્રવાસમાં જવા બુકીંગ કરાવેલ બસ,ટ્રેન કે પ્લેન ચુકી જવાય ત્યારે ઘડીભર મનમાં ખૂબ હતાશા છવાઈ જાય છે અને પોતાની જાતને કમભાગી સમજતો માણસ જ્યારે થોડા સમય પછી ચુકાઈ ગયેલ એજ વાહનના ભયંકર અકસ્માતના સમાચાર સાંભળે છે ત્યારે પોતાની જાતને સદભાગી સમજવા લાગે છે.અને પોતાને થયેલ ટૂંકા ગાળાનું નુકશાન કે મુશ્કેલી લાંબા ગાળાના નુકશાન કે મુશ્કેલીમાંથી બચાવનાર ઈશ્વરની યોજના વિશે સમજી શકે છે. આમ ઈશ્વર પળભરમાં પરિસ્થિતિ અને પરિણામ બદલી શકે છે.
આધ્યાત્મિક દૃષ્ટિકોણઃ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નથી. કારણ કે ફળ ક્યારે, કેવી રીતે અને કેટલું આપવું તે ઈશ્વરની યોજના પર આધારિત છે. જ્યારે આપણે સંપૂર્ણ વિશ્વાસથી કર્મ કરીએ છીએ, ત્યારે પરિણામ જેવું પણ આવે તેને સ્વીકારવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આજના યુગમાં લોકો ઝડપથી પરિણામ ઈચ્છે છે. પરંતુ કુદરત આપણને ધીરજ શીખવે છે. બીજ વાવતાં જ વૃક્ષ ઊગી જતું નથી. તેને સમય, પાણી અને સંભાળ જોઈએ. તેવી જ રીતે, જીવનમાં પણ ઘણી સારી વસ્તુઓ યોગ્ય સમયે જ મળે છે.
સંતો કહે છે કે ‘‘ઈશ્વર ક્યારેય આપણી પ્રાર્થનાને અવગણતા નથી. તેઓ ત્રણ રીતે જવાબ આપે છે ‘‘હા’’, ‘‘હજુ નહીં’’, અથવા ‘‘ મેં તમારા માટે આનાથી પણ ઉત્તમ કંઈક રાખ્યું છે.’’ આ ત્રીજો જવાબ ઘણી વખત આપણે મોડેથી સમજી શકીએછીએ.
ઉપસંહાર: જીવનમાં જ્યારે કોઈ ઇચ્છા અધૂરી રહી જાય, કોઈ સંબંધ તૂટી જાય, કોઈ નોકરી ન મળે કે કોઈ યોજના સફળ ન થાય, ત્યારે નિરાશ થવાને બદલે શ્રધ્ધા રાખવી જોઈએ. કદાચ ઈશ્વર આપણા માટે એવો માર્ગ તૈયાર કરી રહ્યા હોય જે આપણી કલ્પના કરતાં પણ વધુ સુંદર હોય.
આપણી ઇચ્છાઓ ક્ષણિક હોઈ શકે છે, પરંતુ ઈશ્વરની યોજનાઓ શાશ્વત કલ્યાણથી ભરપૂર હોય છે. તેથી કર્મમાં નિષ્ઠા, મનમાં ધીરજ અને હૃદયમાં અડગ શ્રધ્ધા રાખીએ. એક દિવસ સમય પોતે સાબિત કરશે કે જે બન્યું તે આપણા હિત માટે જ બન્યું હતું.
‘‘ઈશ્વર જ્યારે આપણી એક ઇચ્છા પૂર્ણ નથી કરતા, ત્યારે તેનો અર્થ એ નથી કે તેની આપણા પર કૃપા નથી, ઘણી વખત તેનો અર્થ એ હોય છે કે તેમણે આપણા માટે તેનાથી પણ શ્રેષ્ઠ કંઈક તૈયાર રાખ્યું છે.’’


































