અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘વારસાની રમતો’ આનંદોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પરંપરાગત ભારતીય રમતોનું જતન કરવો અને નવી પેઢીને પોતાના સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો હતો.
કાર્યક્રમનું ઉદ્‌ઘાટન પી.પી. સોજીત્રાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રી બેચરભાઈ ભાદાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કૌશિક વેકરીયા, બેચરભાઈ ભાદાણી, પી.પી. સોજીત્રા અને અતુલ કાનાણીએ પણ સંગીત ખુરશી, લખોટી અને અન્ય પરંપરાગત રમતોમાં ભાગ લઈ બાળપણની યાદો તાજી કરી હતી.આનંદોત્સવમાં ભમરડો, રસ્સાખેંચ, સંગીત ખુરશી, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ-ચમચી, રસી સાઇકલિંગ, દોરડા કૂદ, નાગ ગોળ અને મીની ઠેકમણી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત મહિલા મંડળો, યુવા મંડળો અને વિવિધ સંસ્થાઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે પરંપરાગત રમતો માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ બાળકો અને યુવાનોમાં શારીરિક સ્ફૂર્તિ, ટીમભાવના, નેતૃત્વ અને સંકલનની ભાવના વિકસાવે છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ માટે જરૂરી રમતગમતની સામગ્રી, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતે વિવિધ શાળાઓ, સંસ્થાઓ અને મહિલા મંડળોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.