કવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે.આધ્યાત્મિકતાની સાથે સાંસ્કૃતિક વિરાસત્તા જોવા મળે છે.શ્રાવણ માસમાં શિવજીનું મહત્વ અને મૂલ્ય જોવા મળે છે. એવા જ સમયે જન્માષ્ટમીનો પર્વએ કૃષ્ણ ભક્તિ તરફનો સ્નેહ દર્શાવે છે.
જન્માષ્ટમીએ હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને ઉત્સાહપૂર્વક ઉજવાતો તહેવાર છે.જે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારનું ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ મોટું મહત્વ છે.ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ રોહણ નક્ષત્રમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો. શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના પૂર્ણાવતાર (અથવા સોળ કળાથી યુક્ત અવતાર) માનવામાં આવે છે. આ દિવસે ઉપવાસ અને પૂજા-અર્ચના કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવી ધાર્મિક માન્યતા છે.અધર્મ પર ધર્મની વિજય શ્રીકૃષ્ણનો જન્મ પૃથ્વી પરથી અન્યાય, અત્યાચાર અને અધર્મીઓનો નાશ કરવા તથા ધર્મની પુનઃસ્થાપના કરવા માટે થયો હતો. જન્માષ્ટમી આપણને યાદ અપાવે છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, અંતે સત્ય અને ધર્મનો જ વિજય થાય છે.
ગીતાનો સંદેશ અને જીવનદર્શન શ્રીકૃષ્ણએ મહાભારતના યુધ્ધ દરમિયાન અર્જુનને આપેલો ‘ભગવદ્ ગીતા’નો જ્ઞાન અને કર્મયોગનો સંદેશ માનવજાત માટે સર્વોત્તમ માર્ગદર્શિકા છે. જન્માષ્ટમીનો તહેવાર આપણને નિઃસ્વાર્થ ભાવે કર્મ કરવાની અને કર્તવ્યપાલન કરવાની પ્રેરણા આપે છે.
સામાજિક અને સાંસ્કૃતિક એકતા આ તહેવાર ભારતમાં ખૂબ જ ઉલ્લાસથી ઉજવાય છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ‘દહીં હાંડી’ (ગોવિંદા) જેવા લોક ઉત્સવો યોજાય છે, જે યુવાનોમાં ટીમ વર્ક, સહકાર અને ઉત્સાહની ભાવના વધારે છે.મંદિરોમાં રાત્રે ૧૨ વાગ્યે આરતી થાય છે, પાલનામાં ઝૂલાવવામાં આવે છે અને ભક્તિસંગીતની રમઝટ બોલે છે.ભક્તિ અને સમર્પણનો ભાવ જન્માષ્ટમીનો તહેવાર ભગવાન પ્રત્યેના નિશ્વાર્થ પ્રેમ, બાળકૃષ્ણની લીલાઓ (માખણ ચોરી વગેરે) અને ગોપીઓની ભક્તિ દ્વારા આત્મા અને પરમાત્માના મિલનનો સંદેશ આપે છે.
કૃષ્ણ ભગવાનની ભક્તિ કે માત્ર એક દિવસ પૂરતી નથી. કૃષ્ણ સદાવત્સલે હોય છે. કર્મના સિધ્ધાંત પ્રમાણે શ્રેષ્ઠ કાર્યો કરવા જોઈએ. માનવતાના કાર્યો જ કર્મનું ફળ છે. કૃષ્ણ ભક્તિમાં માત્ર મટકી ફોડવાથી જન્મોત્સવ કદાચ મનાવી શકાશે.પરંતુ કોકની મટકી સાચવવાથી કૃષ્ણ ભક્તિ નિર્માણ થશે.જય રણછોડ માખણ ચોર બોલવાથી કંઈ થશે નહીં. ચોરી અને અન્ય પાંખડો બંધ કરવા પડશે. શિક્ષાપત્રીમાં કહેવામાં આવી છે કે લાંચ લેવી લોહી પીવા બરોબર છે.લોકોની જમીન પડાવી લેવી અને ભક્તિની પીપુડી વગાડવી કેટલા અંશે યોગ્ય છે? સત્કર્મોએ જ સાચી ભક્તિ છે. સ્વામી વિવેકાનંદના આદર્શો જનસેવા એ જ પ્રભુ સેવા હોવા જોઈએ.મટકી ફોડવામાં કેટલાક લોકો મૃત્યુ પામે છે. એવા બાહ્ય આડંબરવાળી ભક્તિ કૃષ્ણ ભગવાનને મંજૂર નથી. જન્માષ્ટમીના પર્વે સારા વિચારો સાચા અને શ્રેષ્ઠ સંકલ્પોએ જ કૃષ્ણભક્તિ છે. ઘરે મોટા મોટા ફોટા રાખવાથી અને મંદિરોમાં દાન કરવાથી કૃષ્ણ ભક્તિ ખીલતી નથી.માનવ કલ્યાણના કાર્યો કરવાથી જ નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોમાં કૃષ્ણ જોવા મળે છે.
Mo.૯૮૨૫૭૦૨૨૮૨









































