સાબર ડેરીના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલી ૬૨મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન મીડિયા કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સભા શરૂ થાય તે પહેલાં જ સિક્યુરિટી સ્ટાફે મીડિયાકર્મીઓને ગેટ પર રોકી દીધા હતા. ડેરી સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે ૧૮૦૦ દૂધ મંડળીઓ અને ત્રણ લાખ જેટલા પશુપાલકો જોડાયેલા હોવાનું જણાવાયું છે. આવી સ્થિતિમાં ડેરીની કામગીરી, નાણાકીય હિસાબો અને પશુપાલકોને લગતા નિર્ણયો અંગે માહિતી મેળવવા મીડિયા માટે પ્રવેશ ન મળતા ચર્ચાએ જોર પકડ્યું છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ રૂ.૧૦૦૭ જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ ૨૯ જૂને પશુપાલકોને રૂ.૫૬૦ કરોડનો વાર્ષિક ભાવ ફેર પણ ચૂકવવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં આજની સાધારણ સભામાં પશુપાલકો માટે કોઈ મહત્વપૂર્ણ નવી જાહેરાત થાય તેવી અપેક્ષા હતી. જોકે, નિયામક મંડળ તરફથી કોઈ નવી મોટી જાહેરાત કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. આ કારણે પશુપાલકોમાં પણ નિરાશા જોવા મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વખતે પ્રથમવાર દૂધ મંડળીઓના સેક્રેટરીઓને પણ સભામાં બોલાવવામાં આવ્યા હતા. સભામાં આશરે ૧૦૫૦ ચેરમેન અને ૯૦૦ જેટલા સેક્રેટરી હાજર રહ્યા હતા. ડેરી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી, નફો અને હિસાબો અંગેની પ્રક્રિયા સભામાં હાથ ધરાઈ હતી. જાકે, મીડિયા પ્રવેશ ન હોવાને કારણે સભાની અંદરની ચર્ચા અને નિર્ણયો અંગે જાહેર માહિતી મર્યાદિત રહી છે.
સભા દરમિયાન મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓને મોંઘી ભેટ આપવામાં આવી હોવાની ચર્ચા પણ સામે આવી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે ભેટની કિંમત અથવા તેના વિતરણ અંગે વિગત જાહેર કરવામાં આવી નથી.
એક તરફ પશુપાલકો માટે નવી જાહેરાત ન થઈ અને બીજી તરફ પ્રતિનિધિઓને ભેટ આપવાની ચર્ચા થતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હવે આ અંગે ડેરી સત્તાધીશો તરફથી સ્પષ્ટતા થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.










































