જાફરાબાદ ખાતે કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ટ્રસ્ટ તથા ગૌશાળા અંગે અપમાનજનક અને વાંધાજનક પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદાર કચેરીમાં લેખિત અરજી કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ, તા. ૨૩ જૂન ૨૦૨૫ના રોજ જાફરાબાદ ખારા સમાજના એક આગેવાને પોતાના મોબાઈલ નંબર પરથી અલગ-અલગ વોટ્સએપ ગ્રુપમાં ગૌશાળાને નિશાન બનાવી પોસ્ટ કરી હતી. આ પોસ્ટથી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટે પોસ્ટના મૂળ સ્ત્રોત અને જવાબદાર વ્યક્તિની ઓળખ કરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. તેમજ સમાજમાં વૈમનસ્ય કે અશાંતિ ફેલાય તેવી સામગ્રી અંગે ભારતીય ન્યાય સંહિતા અને લાગુ પડતા સાયબર કાયદા હેઠળ કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે.










































