સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. બેઠક બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે બે મંત્રીઓ સાગબારા જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળશે.
ખાસ વાત એ છે કે જમીનના દાવાઓ અંગે પુરાવાના આધારે નિર્ણય લેવામાં આવશે. સાગબારા સહિતના વિસ્તારોમાં પેન્ડીંગ રહેલા અંદાજે ૮૦ હજાર દાવાઓ અંગે પણ મંત્રીઓ ખેડૂતો સાથે ચર્ચા કરશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી જમીનના દાવાઓને લઈને ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવાની દિશામાં મહત્વની શરૂઆત થઈ શકે છે. જાકે, ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને સરકાર સાથેની ચર્ચા બાદ શું નિષ્કર્ષ આવે છે તેના પર સૌની નજર રહેશે.
આજે આ આદિવાસીઓના ધરણાનો ૨૧ મો દિવસ થયો છતાં કોઈ ઉકેલ નહીં. ત્યારે હવે લીલા વસાવાના આહ્વાનને લઈ આજે સાગબારાના ખેડૂતોએ જંગલ જમીન ખેડાણ ચાલુ કરી દીધું. જોકે આજે એકપણ વનકર્મીએ આ ખેડાણ અટકાવ્યું નથી.
આવતી કાલે આવનારા રાજ્ય કક્ષાના બે મંત્રી જેમાં વનમંત્રી પ્રવીણ માળી અને જિલ્લા પ્રભારી અને રાજ્ય મંત્રી ઈશ્વર પટેલ આ ૧૨ ગામના આદિવાસી ખેડૂતો પાસે આવશે અને એમના પ્રશ્ન સાંભળશે. ત્યારે આવતી કાલે જે ખેડૂતો સાચા અને જેમની પાસે ખેડાણના પુરાવા હશે એમને ખેડાણ માટે મંજૂરી આપવામાં આવશે અને તમામ ખેડૂતોને પારણા કરાવી એમના આ ધરણાને પૂર્ણ કરાવશે.