રક્ષાબંધનના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ નંબર-૧૫ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈએ મોંઘવારીના મુદ્દાને રક્ષાબંધન સાથે જોડીને વિરોધનો અનોખો સંદેશ આપ્યો હતો. કોમલબેન ભારાઈએ કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા, આમ આદમી પાર્ટીના મહેશભાઈ બાંભવા સહિત માલધારી સમાજના આગેવાનોને રાખડી બાંધી હતી. રક્ષાબંધનની પરંપરા મુજબ આગેવાનોએ પણ તેમને ‘રિટર્ન ગિફ્ટ’ આપી હતી, પરંતુ આ ભેટ કંઈક અલગ હતી. આગેવાનોએ કોમલબેન ભારાઈને ૧૦૦ની કિંમતની એક કિલો ખાંડ અને ૭૦ની ડુંગળી ભેટમાં આપી હતી.
આ પ્રતિકાત્મક ભેટ દ્વારા ખાંડ અને ડુંગળીના ભાવમાં વધારા તરફ લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રક્ષાબંધનના તહેવાર દરમિયાન મીઠાઈની માંગ વધતી હોય છે. ખાંડના ભાવ વધવાથી પેંડા સહિતની મીઠાઈઓના ભાવ પર પણ તેની અસર જોવા મળે છે. બીજી તરફ, ડુંગળીના વધતા ભાવને કારણે સામાન્ય પરિવારના ઘરખર્ચનું બજેટ ખોરવાઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રક્ષાબંધનના પવિત્ર પર્વે રાખડી અને ભાઈ-બહેનના સંબંધની પરંપરાની સાથે ખાંડ અને ડુંગળી જેવી રોજિંદા જીવનની ચીજવસ્તુઓના ભાવનો મુદ્દો જાડીને મોંઘવારી સામે કટાક્ષાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
આ રીતે રાજકોટમાં રક્ષાબંધનની ઉજવણી માત્ર તહેવાર પૂરતી સીમિત ન રહી, પરંતુ જનજીવન સાથે જોડાયેલા મોંઘવારીના પ્રશ્ન તરફ ધ્યાન દોરતા રાજકીય સંદેશનું સ્વરૂપ પણ ધારણ કર્યું હતું.