ગુજરાત ભાજપ માટે આગામી દિવસોમાં બે મહત્વપૂર્ણ દિવસો રહેશે. ભાજપના બે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે નિમણૂંક થયા બાદ તરુણ ચૂગ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવશે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સતીશ પુનિયા પણ ગુજરાતની મુલાકાત લેશે.
૨ સપ્ટેમ્બરે ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચૂગ ગુજરાત આવશે. પ્રભારી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ ગુજરાત મુલાકાત હશે. તેમના પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે બે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. પ્રથમ બેઠકમાં પ્રદેશ ભાજપના નેતાઓ અને સરકારના નેતાઓ સાથે પરિચય બેઠક યોજાશે, જેમાં સંગઠન અને સરકારના આગેવાનો સાથે તરુણ ચૂગ ચર્ચા કરશે.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા અને તેમના જન્મદિવસ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ અંગે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપના આગેવાનો ઉપરાંત સરકારના મંત્રીઓ અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહેશે. આગામી કાર્યક્રમોને લઈને સંગઠનાત્મક આયોજન અને જવાબદારીઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે.બીજી તરફ ૩૦ ઓગસ્ટના રોજ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સતીશ પુનિયા ગુજરાતની મુલાકાતે આવશે. અમદાવાદ શહેરમાં યોજાનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજસ્થાની સમાજના આશરે એક હજાર લોકો ઉપસ્થિત રહેવાના છે. એક તરફ નવા પ્રભારી તરુણ ચૂગની પ્રથમ ગુજરાત મુલાકાત દરમિયાન સંગઠન અને આગામી કાર્યક્રમોને લઈને બેઠકો યોજાશે, તો બીજી તરફ સતીશ પુનિયાની હાજરીમાં અમદાવાદમાં મન કી વાત કાર્યક્રમ યોજાશે. ભાજપના બે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસને આગામી સંગઠનાત્મક અને જાહેર કાર્યક્રમોની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.