જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર-કોલેજ કબ્બડ્ડી (મહિલા) સ્પર્ધાનું આયોજન બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૬ કોલેજોની ટીમોએ ભાગ લીધો હતો. બહાઉદ્દીન આટ્‌ર્સ કોલેજ અને કોડિનારની સોમનાથ આટ્‌ર્સ કોલેજ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલ મેચમાં સોમનાથ આટ્‌ર્સ કોલેજની ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોમનાથ આટ્‌ર્સ કોલેજની ટીમે સતત ચોથા વર્ષે આ સ્પર્ધામાં વિજેતા બનીને સોમનાથ સાયન્સ એકેડમીનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા દરમિયાન ટીમ મેનેજર જયદીપભાઈ મોરી તથા ભરતભાઈ ગોહિલ દ્વારા ખેલાડી બહેનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ કરસનભાઈ સોલંકી તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા વિજેતા બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.