અંતે ‘વંદે માતરમ’ રાષ્ટ્રીય સન્માનનું પ્રતિક બની ગયું. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ભારતના રાષ્ટ્રીય ગાન (national song) ‘વંદે માતરમ’ના અપમાન કે અનાદરને અપરાધ બનાવતો કાયદો બનાવી દેતાં ‘વંદે માતરમ’પણ ભારતના સન્માનનું પ્રતિક બની ગયું. અત્યાર લગી પ્રીવેન્શન ઓફ ઈન્સલ્ટ્‌સ ટુ નેશનલ ઓનર એક્ટ, ૧૯૭૧ એટલે કે, ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, ૧૯૭૧’ હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીત (national anthem)નું અપમાન કે અનાદર કરવાં સજાપાત્ર ગુનો ગણાતો હતો.
દેશનું રાષ્ટ્રીય ગાન હોવા છતાં ‘વંદે માતરમ’નું અપમાન કે અનાદર અપરાધ નહોતો એ બંધારણીય વિસંગતિ હતી. મોદી સરકારે કાયદામાં સુધારો કરીને રાષ્ટ્રીય ગાન (national song) ‘વંદે માતરમ’ને પણ રાષ્ટ્રીય સન્માન સાથે જોડીને આ ખામી દૂર કરી દીધી. જૂના કાયદાની કલમ ૩ માં સુધારો કરીને હવે રાષ્ટ્રગીતની સાથે ‘વંદે માતરમ’નો પણ રાષ્ટ્રીય સન્માનના પ્રતિક તરીકે સમાવેશ કરી લેવાયો છે.
સંસદનાં બંને ગૃહે આ ખરડો પસાર કરી દીધો છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ સુધારો દેશભરમાં અમલી બનશે. સુધારેલા કાયદા હેઠળ કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ’નું અપમાન કે અનાદર કરશે તો તેને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. આ કાયદા પ્રમાણે, કોઈ વ્યક્તિ જાણીજોઈને વંદે માતરમ્‌ ગાવામાં અવરોધ ઊભો કરે, જાહેરમાં રાષ્ટ્રીય ગાનનું અપમાન કે અનાદર કરે, કોઈ કાર્યક્રમ દરમિયાન ઇરાદાપૂર્વક હંગામો મચાવે તો ગુનેગાર ગણાશે. સુધારેલા કાયદા હેઠળ ‘વંદે માતરમ’નું અપમાન કરવા બદલ વધુમાં વધુ ૩ વર્ષની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે. બીજી વાર કે વારંવાર ભૂલ કરવા માટે કલમ ૩છ હેઠળ ઓછામાં ઓછી ૧ વર્ષની ફરજિયાત જેલની સજાની જોગવાઈ છે.
સંસદનાં બંને ગૃહોમાં સુધારો પસાર કરાયો પછી લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદોએ આખા ‘વંદે માતરમ’નું ગાન કર્યું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટેના લાલ કિલ્લા ખાતેના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ કાર્યક્રમની શરૂઆત પહેલાં આખા ‘વંદે માતરમ’નું ગાન કરાયું અને એક નવી ગૌરવપૂર્ણ પરંપરાની શરૂઆત કરાઈ.

હવે વંદે માતરમ્‌ ગાવું ફરજિયાત છે?
હવે સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’નું ગાન ફરજિયાત છે પણ કોઈ વ્યક્તિને ફરજિયાત ‘વંદે માતરમ’ની ફરજ ના પાડી શકાય. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી જ છે કે, આ કાયદો કોઈને પણ વંદે માતરમ્‌ ગાવા માટે દબાણ કરતો નથી કે ફરજ પાડતો નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે, ‘વંદે માતરમ’ ગાવાનો ઈન્કાર કરવો અપરાધ નથી કેમ કે ‘વંદે માતરમ’ ગાવાનો ઈન્કાર અને અપમાન વચ્ચે તફાવત છે. કોઈ વ્યક્તિ ‘વંદે માતરમ’ ના ગાય ને કોઈ વ્યક્તિ જાણીજોઈને અનાદર કે અપમાન કરે બંને વચ્ચે કાનૂની તફાવત છે. ઈન્કાર એ અપમાન કે અનાદર નથી.
સરકારની સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટનો ૧૯૮૬ના ચુકાદાને સમર્થન આપે છે. ૧૯૮૬માં સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૯(૧)(છ) અને ૨૫(૧)નું અર્થઘટન કરીને ચુકાદો આપ્યો હતો કે, કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતાઓ તેમને ‘વંદે માતરમ’ ગીત ગાવાથી રોકતી હોય તો તેમને ‘વંદે માતરમ’ નહીં ગાવાનો અધિકાર છે પણ ‘વંદે માતરમ’નું ગાન થતું હોય ત્યારે એ લોકો આદરપૂર્વક શાંતિથી ઊભા રહે અને કોઈ અવરોધ ના ઊભો કરીને બીજાંની લાગણીની કદર કરે તો દોષિત નથી. સરકારે આ ચુકાદાને થોડો વિસ્તૃત કરીને અપમાન અને અનાદર કરનારને અપરાધી ઠેરવવાની જોગવાઈ કરી છે.
સુધારેલા કાયદામાં ‘વંદે માતરમ’નું ગાન કરવા માટેની માર્ગદર્શિકા પણ છે. આ માર્ગદર્શિકા પ્રમાણે, ‘વંદે માતરમ’ના બધા જ ૬ શ્લોક કે અંતરા સંપૂર્ણ ગાવાના રહેશે. ‘વંદે માતરમ’ આખું ગાવાનો સમય ૩ મિનિટ અને ૧૦ સેકન્ડ નક્કી કરાયો છે તેથી સમય ઓછો નહીં કરાય. સરકારી કાર્યક્રમોમાં આખું ગાન ફરજિયાત છે જ્યારે શાળાઓમાં સવારની સભા પહેલાં વંદે માતરમ્‌ ગાવું અને વિદ્યાર્થીઓ આદરપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરીને ઊભા રહે તેના પર ભાર મૂકવાનો રહેશે.

‘વંદે માતરમ’નો રાષ્ટ્રીય સન્માનનાં પ્રતિકોમાં સમાવેશ બહુ મોડો થયો.
આઝાદીની લડત વખતે ‘વંદે માતરમ’ બિનસત્તાવાર રાષ્ટ્રગીત હતું પણ દેશ આઝાદ થયો ત્યારે તેને બદલે જમ ગણ મન અધિનાયક રાષ્ટ્રગીત બની ગયું તેનું કારણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ હતી. કોંગ્રેસે પોતે ‘વંદે માતરમ’ને ભારતનું રાષ્ટ્રીય ગીત જાહેર કર્યું હતું પણ મુસ્લિમોની નારાજગીના ડરે તેની ઉપેક્ષા થઈ અને તેની શરૂઆત ૧૯૩૭માં જ થઈ ગઈ હતી.
૧૯૩૭માં કોંગ્રેસનું અધિવેશન ફૈઝપુરમાં મળેલું. મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માગણી જોરશોરથી કરાઈ રહી હતી તેનો લાભ લઈને જવાહરલાલ નહેરૂએ ‘વંદે માતરમ’નું મહત્વ ઘટાડવાનો પેંતરો કર્યો. ‘વંદે માતરમ’મા માં સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મીના ઉલ્લેખ ધરાવતા અંતરા છે. નહેરૂએ મમરો મૂક્યો કે, હિંદુ દેવીઓના કારણે મુસ્લિમો ‘વંદે માતરમ’ નહીં ગાય. કમનસીબે કોંગ્રેસમાં એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓએ પણ આ વાતનો વિરોધ ના કર્યો અને પહેલા બે અંતરા જ રાષ્ટ્રગીત તરીકે માન્ય રાખ્યા હતા.
ભારતને આઝાદી પછી બંધારણ સભાએ રાષ્ટ્રગીત અંગે નિર્ણય લેવાનો હતો. કોંગ્રેસે ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર્યું હોવાથી ‘વંદે માતરમ’ જ રાષ્ટ્રગીત બનશે એવું નક્કી માનતું હતું પણ કેટલાંક મુસ્લિમ સંગઠનો આડાં ફાટ્યાં. આ ગીતમાં માતાને પગે લાગવાની વાત છે ને આ ગીત હિંદુ ધર્મને લગતું છે એવો દાવો કરીને મુસ્લિમ સંગઠનોએ વિરોધ કર્યો.
કોંગ્રેસની આખી નેતાગીરી મુસ્લિમો સામે ઝૂકી ગઈ તેથી છેવટે ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત બનાવી દેવાયું. કોંગ્રેસે પહેલાં ‘વંદે માતરમ’ને રાષ્ટ્રીય ગીત જાહેર કરેવું તેથી શરમજનક સ્થિતીમાં ના મૂકાવું પડે એટલે નાક બચાવવા ‘વંદે માતરમ’ જાહેર કરાયું પણ રાષ્ટ્રીય સન્માન ના અપાયું. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ સભાના પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદે જાહેરાત કરી કે, વંદે માતરમ ગીતે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હોવાથી તેને રાષ્ટ્રગીત ગણીને જન ગણ મન જેટલું માન અને દરજ્જો આપવામાં આવશે પણ બંધારણમાં એ દરજ્જો નહોતો અપાયો. રાષ્ટ્રગીતના અપમાન અને અનાદરને ગુનો ગણીને સજા કરવાની જોગવાઈ કરાઈ પણ રાષ્ટ્રીય ગાન માટે એ જોગવાઈ ના થઈ.

‘વંદે માતરમ’ માત્ર ગીત નથી પણ રાષ્ટ્રપ્રેમની પ્રબળ લાગણી ઉભું કરનારું ટોનિક છે.
આઝાદીના જંગમાં ‘વંદે માતરમ’ની લોકપ્રિયતા બીજા કોઈ પણ ગીત કરતાં વધારે હતી. મૂળ તો બંકિમચંદ્રે ૧૮૭૫માં આ ગીત રચેલું પણ તેની જોરદાર લોકપ્રિયતાના કારણે ૧૮૮૨માં પ્રસિધ્ધ થયેલી આનંદમઠ નવલકથામાં તેનો સમાવેશ કર્યો. એ વખતે જ આ ગીત ઘેર ઘેર જાણીતું હતું. વંદે માતરમની લોકપ્રિયતા કેવી ગજબનાક હતી તે સમજવા કેટલીક ઘટનાઓ પર નજર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (તેમની ‘આનંદમઠ’ નવલકથામાંથી).
૧૮૭૫ઃ પ્રથમ વખત રચના થઈ. ૧૮૮૨માં ‘આનંદમઠ’ નવલકથામાં સમાવેશ સાથે ‘વંદે માતરમ’ આગની જેમ પ્રસર્યું. ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે કોંગ્રેસ અંગ્રેજોની પીઠ્ઠુ મનાતી હતી તેથી શરૂઆતનાં વરસોમાં તેની અવગણના થઈ પણ કોંગ્રેસ પર ભારતીયોનો પ્રભાવ વધતાં જ વંદે માતરમને કોંગ્રેસે પણ અપનાવવું પડ્‌યું. ૧૮૯૬માં રવીન્દ્રનાથ ટાગોરે સંગીતબધ્ધ કર્યું પછી કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમવાર જાહેર વંદે માતરમ ગવાયું. કોંગ્રેસે ‘વંદે માતરમ’ અપનાવતાં જ ‘વંદે માતરમ’ દેશપ્રેમનું પ્રતિક બની ગયું. ૧૯૦૫માં ‘વંદે માતરમ’ સ્વદેશી આંદોલનનું મુખ્ય સૂત્ર હતું ને ૧૯૦૭માં મેડમ ભીકાજી કામાએ જર્મનીના બર્લિનમાં પહેલી વાર ભારતીય ધ્વજ લહેરાવ્યો તેના પર ‘વંદે માતરમ’ લખાયેલું હતું. ૧૯૦૯માં મદન લાલ ઢીંગરાએ ‘વંદે માતરમ’નો નારો ગજવીને ફાંસીના માંચડે ચડી ગયા હતા તો ૧૯૦૯માં પેરિસમાં રહેતા ભારતીયોએ જીનીવાથી ‘વંદે માતરમ’ નામનું મેગેઝિન શરૂ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, ભારતને માતા ગણવાનો વિચાર મૂળ બંકિમચંદ્રનો નહોતો. બંગાળી લેખક કિરણચંદ્ર બેનરજીએ ભારત માતા નાટક લખીને આ વિચાર વહેતો કરલો. આ નાટક ૧૮૭૩માં પહેલી વાર ભજવાતાં એક રાષ્ટ્ર તરીકે ભારતના વિચારને બળ મળ્યું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેના આધારે જ વંદે માતરમ લખ્યું અને આ વિચારને શબ્દદેહ આપ્યો. બિપિનચંદ્ર પાલે ભારત માતાના વિચારને હિન્દુત્વનો રંગ આપ્યો તો અબનિન્દ્રપાલ ટાગોરે ભારત માતાનું ચિત્ર બનાવી ભારત માતાની છબિ લોકોના માનસમાં મૂકી આપી. ‘વંદે માતરમ’ ને યાદ કરીએ ત્યારે બંકિમચંદ્રની સાથે આ મહાન લોકોને પણ યાદ કરવા જોઈએ. sanjogpurti@gmail.com