શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં બનેલા ચકચારી હત્યા કેસમાં સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બહેરાપુરા વિસ્તારમાં યુવતીની છેડતી અને ઘરની બહાર મોટેથી ડીજે-ટેપ વગાડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં યુવકની હત્યા કરનાર મુખ્ય આરોપીને સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે આરોપીઓને પૂરતા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
કેસની વિગતો મુજબ, બહેરાપુરાની કાછીયાની ચાલીમાં રહેતા કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ ચૌહાણના પુત્ર રાહુલ દ્વારા પરિવારની એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાની તેમજ ઘર પાસે મોટેથી ડીજે વગાડવાના મુદ્દે બંને પક્ષો વચ્ચે અગાઉ તકરાર થઈ હતી. આ બાબતે ઠપકો આપતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. ૭ ઓગસ્ટ, ૨૦૧૮ની મધરાત્રે ફરિયાદી અજયભાઈ પરમાર અને તેમના મામા ગિરીશભાઈ કાંતિભાઈ બોડાણા એકટીવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે કનૈયાલાલ, તેનો ભત્રીજા ચિરાગ, પુત્ર રાહુલ અને અન્ય એક યુવક હથિયારો સાથે રસ્તા પર ઊભા હતા.
આરોપી કનૈયાલાલે છરી વડે ગિરીશભાઈના છાતી, પેટ અને જાંઘના ભાગે ઘાતક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ગિરીશભાઈને તાત્કાલિક વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ કેસની તપાસ કાગડાપીઠ પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ એસ. મોદીએ હાથ ધરી હતી.પોલીસે ઘટનાસ્થળના પુરાવા, એફએસએલ રિપોર્ટ, તબીબી પુરાવા, પ્રત્યક્ષદર્શી સાક્ષીઓના નિવેદનો તેમજ ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરી મજબૂત ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગૌતમ દવેએ દલીલ કરી હતી કે નજીવી તકરારમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ઉપલબ્ધ છે. ત્યારે આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવી જાઈએ.કોર્ટે દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ વાડીલાલ ચૌહાણને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે દિનેશ ઉર્ફે ચિરાગ ચૌહાણ અને હિમાંશુ ચૌહાણને શંકાનો લાભ આપી નિર્દોષ મુક્ત કરવા આદેશ કર્યો હતો.








































