‘‘બેરાલાલ! તમે તમારાં પપુડાનું ક્યાંય ગોઠવ્યું કે નહીં? હવે ઉંમર કાતરા કાઢે છે, હોં. ગમે ન્યા ,ગમે એમ કરીને એને ડાળે વળગાડી દો. પછી પસ્તી માંય નહીં હાલે.’
બનેવીલાલે આવતાં વેંત જ બેરાલાલને ઉધડો લીધો.
બેરાલાલ તૈયાર જ હતાં. શબ્દો હોઠની બારીએ લટકીને ઊભાં જ હતાં.
‘‘છે, તમારાં ધ્યાનમાં કોઈ કન્યા? હવે તો આધેડ મહિલા હશે તોય હાલશે. બે ટંક રોટલા ટીપી દે તોય બસ ! આપણે ઠાઠ માટે વાળી નો મળે તો વાંધો નથી.’’
‘‘ઠેકાણાં તો ઘણાધ્’ય છે. પણ, ખાટલે મોટી ખોડ છે. કે, ઘણાંને હું જોઈએ છે? ઈ જ ખબર નથી. બસ! હારું ગોતવું છે. હારાનો કોઈ માપદંડ નક્કી નથી.
હા, એક વાત કોમન જેવી હંભળાય છે કે, નોકરી જોઈએ છે. નોકરી નો હોય તો, છોકરો વિદેશમાં હોવો જોઈએ.’’
‘‘બનેવીલાલ! તમે તો જાણો છો કે, રાત દિવસ ગોતવા છતાંય એક છોકરી નથી મળતી. અને સરકાર આપે ઈ નોકરી ક્યાંથી મળે!?’’
‘‘બેરાલાલ! મારી પાંહે એક આઈડિયો છે. તમારી પાંહે પૈસા
કેટલાં’ક !?’’
‘‘પૈસા તો નથી. પણ, છોકરી મળે તો પૈસા તો પાતાળમાંથી’ય પછાડશું.’’
‘‘તો પછી છોકરી પહેલાં નોકરી ગોતો ને!!’’
‘‘છે, તમારાં ધ્યાનમાં કોઈ નોકરી!?’’
‘‘હા..આ..! અમારી પાંહે તો હંધૂય હોય. નોકરી માટે તમારે ઝારખંડ જાવું પડે.’’
‘‘ઝારખંડ? ન્યા નોકરીનો ખજાનો મળ્યો છે?’’
‘‘તમે એમ જ હમજો. કે ખજાનો ય ટૂંકો પડે. ન્યા પરીક્ષાના પેપર જાહેરમાં વેચાય છે. અને નોકરી પેપરમાં વેચાય છે. પટ્ટાવાળો બનવું હોય તો, પાંચ લાખ. કારકૂન બનો તો દસ લાખ. મોટી નોકરીના પંદર વીસ લાખ અને ડોક્ટરના પસાહ લાખ.’’
‘‘આ પૈસા કોને દેવાનાં? આજકાલ લે ભાગુ લોકો બહુ ફુટી નીકળ્યા છે. કોનાં ઉપર ભરોસો કરવો!?’’
‘‘તમારે સીધાં સરકારને જ પૈસા આપવાનાં છે. આંખો બંધ કરીને ભરોસો કરી દેવાનો. કારણ કે, સરકારે જ દુકાન ખોલી છે.’’
‘‘બનેવીલાલ તમે થોડાંક આગળ નીકળી ગયાં. મારે પપુડાને ડોક્ટર બનાવવો હોય તો, ઝારખંડ શા માટે જાવ ! આપણી બગલમા જ મહારાષ્ટ્ર છે. એમ.પી.અને મહારાષ્ટ્રની વચ્ચે આંતરિયાળ જિલ્લો ધુલે. અને એનું નાનકડું ગામ ગુર્હાડપાની ન્યા પપુડાને મૂકી આવું ને!!’’
‘‘અરે એ તો નાનકડું ૪૫૦ ની વસ્તી (આદિવાસી વસ્તી) નું ગામ છે. ન્યા પપુડો શું કરશે?’’
‘‘બનેવીલાલ! તમે આ ગામને ઓળખતાં નથી. છેલ્લા દસ વર્ષમાં આ ગામે ૧૩ ડોક્ટરો આપ્યાં છે. અને છેલ્લી નીટમા ૩ છોકરાઓ પાસ થયાં છે.
ઝારખંડમાં જઈને પસાહ લાખનો ખરસો કરું. એનાં કરતાં તો ‘ગુર્હાડપાની ‘નો મોકલું!??’’
‘‘બેરાલાલ! તમારી વાતમાં છે તો દમ. પણ, ‘મન હોય તો માળવે જવાય’. અને ‘કુવામાં હોય તો હવાડામાં આવે.’ (ઘણીવાર કુવામાં ના હોય તોય હવાડામાં આવે છે) ઈ વાત જરા જુદી થઈ.’’
‘‘ના ના ના. જુદી નહીં! તમે હાસી વાત કરી છે. તમારે ક્યાંય દૂર જાવાની જરુર જ નથી. તમે આપણાં ડો. ગણેશ બારિયાને જ લય લો.’’
‘‘એટલે તમે હમણાં જ કે.બી.સી.ની નવી ૧૮ મી સીઝન મા અમિતાભ બચ્ચન હામેની હોટસીટ ઉપર બેઠેલ અને રૂપિયા પચ્ચીસ હજાર જ જીતેલ ડો.ગણેશ બારિયાની વાત કરો છો??’’
‘‘બનેવીલાલ! તમે કે.બી.સી ભૂલી જાવ, અમિતાભને ય ભૂલી જાવ અને રૂપિયા પચ્ચીસ હજારને તો હાવ જ ભૂલી જાવ. તમે સમગ્ર વિશ્વમાં માત્ર ૩ ફુટના એક માત્ર ડો.ગણેશ બારિયાને યાદ રાખો. એની કહાનીને યાદ રાખો.’’
‘‘તો કહો યાદ રાખીએ.. ’’
‘‘તળાજા પાસેનું એક ગામ,‘ગોરખી’ વિઠ્ઠલભાઈ બારિયા વાડીએ છાપરાવાળા મકાનમાં રહે.
ગણેશ પહેલેથી જ વધ્યો નહીં. પણ, ભણવામાં ખૂબ વધ્યો. ધોરણ ૧૦ માં ૯૪ ટકાએ પાસ થયો.
સર્કસ વાળાઓ આવીને કહી ગયાં કે ગણેશને અમને આપી દો. અમે ગણેશની કિંમત રૂપિયા પાંચ લાખ આપીશું. પરંતુ, વિઠ્ઠલભાઈએ પાંચ લાખમા રસ નો લીધો. અંતે શિક્ષકોએ ખૂબ રસ લયને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું. ૧૨ પાસ, નીટ પાસ . પણ, અડચણ આવી હવે.
‘મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ’ આમનો પ્રવેશ રદ કર્યો. કારણ હતું, ૩ ફુટનો માણસ ડોક્ટર ના બની શકે. હાઈકોર્ટે પણ વહારે ના આવી. ગણેશ અને શિક્ષકો ખૂબ રડ્યાં. પણ, ‘શિક્ષક કદી સામાન્ય નહીં હોતાં’ આ યુક્તિ અહીં આવીને બેસી ગઈ.
સુપ્રિમ કોર્ટે ૨૨ ઓક્ટોબર ૨૦૧૮ મા ફેંસલો કર્યો ..
૨૦ કિલો વજન અને ૩ ફુટની ઊંચાઈ કોઈને ડોક્ટર બનતાં રોકી શકે નહીં.’’
‘‘સરવાળે ભાવનગરની સર ટી. હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં ૧ ઓગસ્ટ ૨૦૧૯ માં એમ.બી.બી.એસ.મા પ્રવેશ લીધો. અને ૨૦૨૪ મા પાસ પણ કર્યું.
આજે ગણેશ બારિયા એજ સર ટી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી લોકોની સેવા કરે છે.’’
‘‘હવે તમે જ કહો, મારે પપુડાને ઝારખંડ મોકલવો? કે ગુજરાતમાં જ રાખવો??’’
kalubhaibhad123@gmail.com












































