ગીર સોમનાથ જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં પરવાનગી વિના જાખમી કેમિકલનો સંગ્રહ કરતા લોકો સામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ર્જીંય્ની ટીમે સોમનાથ-વેરાવળ બાયપાસ નજીક આવેલા વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી આશરે ૧.૮૫ લાખની કિંમતનો એસિડનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ૧૭ ઓગસ્ટે એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. રાયજાદા અને પીએસઆઇ એસ.જે. સોલંકીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે મામલતદાર વેરાવળ ગ્રામ્ય, મહેસૂલી તલાટી, જીપીસીબી જીએસટી અને વીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.
ભાલકા એકતાનગરમાં આવેલી કેમિકલ મીની ફેક્ટરીની તપાસ દરમિયાન વપરાતા રો-મટીરીયલ અંગે માહિતી મળ્યા બાદ સોમનાથ-વેરાવળ બાયપાસ પર આસોપાલવ હોટલ સામે તાતીવેલા સીમ વિસ્તારમાં આવેલા વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ગોડાઉનમાંથી આશરે ૧,૮૫,૦૦૦નો એસિડનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ એસિડના સંગ્રહ અને વેચાણ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી નહોતી. વધુમાં, રહેણાક હેતુ માટેની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરીને જાખમી કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.
રહેણાક વિસ્તારમાં એસિડ જેવા જોખમી કેમિકલનો નિયમો વિરુદ્ધ સંગ્રહ થવાથી આસપાસના રહેવાસીઓની સુરક્ષા સામે જાખમ ઊભું થઈ શકે છે. આ મામલે તંત્ર દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
મામલતદાર વેરાવળ ગ્રામ્ય દ્વારા એસિડના જથ્થા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભાલકાની બિનઅધિકૃત કેમિકલ મીની ફેક્ટરીમાંથી મળેલા મુદ્દામાલ સહિત બંને સ્થળેથી કુલ આશરે ૩.૨૮ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહી બાદ રહેણાક વિસ્તારોમાં નિયમોનો ભંગ કરીને કેમિકલનો સંગ્રહ કે વેપાર કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.