શહેરના વાસણા વિસ્તારમાં ચોંકાવનારી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. એએમસી કર્મચારીઓનો સ્વાંગ રચીને બીએસએનએલના ડક્ટમાંથી કોપર કેબલની ચોરી કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ એએમસી કર્મચારી જેવા રેડિયમ જેકેટ અને સાધનો સાથે રોડ પર ઉતરતા હતા અને કોઈને શંકા ન જાય તે માટે ટ્રાફિક મેનેજમેન્ટનો દેખાવ કરતા હતા. આ દરમિયાન ક્રેનની મદદથી બીએસએનએલના ડક્ટ ખોલી અંદાજે રૂ. ૭ લાખના કોપર વાયરની ચોરી કરાઈ હોવાનો આક્ષેપ છે. પોલીસે આ મામલે રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જિતેષ યાદવ અને રાહુલ ભરવાડની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર સાગરીતોને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે.
એએમસી કર્મચારી બની સિક્યોરિટી ગાર્ડને બેસાડી દીધો – મળતી માહિતી મુજબ, ૧૫ ઓગસ્ટની રાત્રે વાસણા વિસ્તારમાં કેટલાક શખ્સો એએમસીના રેડિયમ જેકેટ પહેરીને પહોંચ્યા હતા. તેમણે પોતાની ઓળખ એએમસીના કર્મચારી તરીકે આપી હતી અને બીએસએનએલના સિક્્યોરિટી ગાર્ડને બેસાડી દીધો હતો. ત્યારબાદ ટોળકીના સભ્યોએ મોડી રાત્રે ક્રેનની મદદથી બીએસએનએલના ડક્ટ ખોલવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓએ એવી રીતે સમગ્ર કામગીરી હાથ ધરી હતી કે આસપાસના લોકોને કોઈ શંકા ન જાય. એએમસીના કર્મચારીઓ જેવા રેડિયમ જેકેટ પહેરવાની સાથે લાઇટ સહિતના સાધનો પણ રાખ્યા હતા. રોડ પર ટ્રાફિક મેનેજમેન્ટ કરતા હોવાનો દેખાવ કરીને બિન્દાસ્ત રીતે બીએસએનએલના ડક્ટમાંથી કોપર કેબલ કાઢવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ રીતે અંદાજે રૂ. ૭ લાખના કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી.
બીએસએનએલના સ્ટાફને સમગ્ર મામલાની જાણ થતાં ટીમે ઘટનાસ્થળે પહોંચી દૂરથી વોચ ગોઠવી હતી અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ વાસણા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને આવતા જોઈ કેટલાક શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે કાર્યવાહી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
હાલ પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. ચોરીમાં અન્ય કેટલા લોકો સામેલ હતા અને અગાઉ આવી જ રીતે અન્ય સ્થળોએ ચોરી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.