ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશભરમાં ચાલતા મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ૧,૦૭૧ કરોડના સાયબર ફ્રોડ સાથે જાડાયેલા ૧,૦૯૦ ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ કેસમાં આસામના ૨૫ વર્ષીય રફીકુલ આલમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી બીસીએ સુધી અભ્યાસ કરેલો છે અને સાયબર ફ્રોડના નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. આ ગેંગ દ્વારા ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકોને ડિજિટલ એરેસ્ટ , સાયબર ફ્રોડ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવામાં આવતા હતા.
તપાસ દરમિયાન અમદાવાદના એક સિનિયર સિટીઝન સહિત ગુજરાત અને અન્ય રાજ્યોના લોકો આ ગેંગની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને જામનગર ઉપરાંત અન્ય પાંચ રાજ્યોમાં પણ આ પ્રકારની છેતરપિંડીના કેસોની કડીઓ મળી આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ સરકારી અધિકારીઓનો વેશ ધારણ કરીને લોકોને ફોન અથવા વીડિયો કોલ કરતા હતા. તેઓ પોતાને પોલીસ, સીબીઆઇ,ઇડી અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી તરીકે ઓળખાવતા હતા
ગેંગની મોડસ ઓપરેન્ડી મુજબ, પીડિતોને ચાઈલ્ડ પોર્નોગ્રાફી , ગેરકાયદે ઓનલાઈન પ્રવૃત્તિ અથવા અન્ય ગંભીર ગુનામાં સંડોવણી હોવાનો આરોપ લગાવી ડરાવવામાં આવતા હતા. ત્યારબાદ વીડિયો કોલ મારફતે પીડિતોને સતત નજર હેઠળ રાખવામાં આવતા અને પોતાને ‘ડિજિટલ એરેસ્ટ’ કરવામાં આવ્યા હોવાનું માનવા માટે દબાણ કરવામાં આવતું હતું. કેસમાંથી બચવા અથવા કાર્યવાહી અટકાવવાના બહાને નાણાં ટ્રાન્સફર કરવા માટે માનસિક દબાણ ઊભું કરવામાં આવતું હતું.
તપાસમાં સાયબર ગેંગ દ્વારા છેતરપિંડીથી મેળવેલા નાણાંની હિલચાલ છુપાવવા માટે ૧,૭૫૪ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રકમ એક જ ખાતામાં રાખવાને બદલે અનેક ખાતામાં નાના-મોટા હિસ્સામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક કિસ્સામાં નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ પ્રક્રિયા માત્ર ત્રણ કલાકની અંદર પૂર્ણ કરવામાં આવતી હતી. આ ઝડપી ટ્રાન્ઝેક્શન પાછળનો હેતુ નાણાંના પ્રવાહને ટ્રેસ કરવાનું તપાસ એજન્સીઓ માટે મુશ્કેલ બનાવવાનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.