અમદાવાદના સરદારનગર ભદ્રેશ્વરમાં એક સગીર વયની દીકરીએ વિધર્મી યુવકના અસહ્ય ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. એકતરફી પ્રેમમાં પાગલ આરોપી સગીરાનો સતત પીછો કરતો હતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો. અગાઉ આ મામલે પોક્સો હેઠળ ગુનો પણ નોંધાયો હતો, પરંતુ કોર્ટમાં સમાધાન થયા બાદ પણ આરોપીની હેરાનગતિ બંધ થઈ નહોતી. આખરે કંટાળીને સગીરાએ મોત વહાલું કરવું પડ્યું.
અમદાવાદનો સરદારનગર વિસ્તાર એક માસૂમ સગીરાના આપઘાતથી ધ્રુજી ઉઠ્યો છે. ભદ્રેશ્વરમાં રહેતી એક સગીરાએ પોતાના જ ઘરમાં સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો છે. દીકરીના આ પગલાંથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ સગીરાના મોત પાછળ જવાબદાર છે એક વિધર્મી યુવકનો અસહ્ય ત્રાસ. આરોપી નસીમ ઉર્ફે લલ્લુ અન્સારી સગીરાના એકતરફી પ્રેમમાં પાગલ હતો. આરોપી અવારનવાર સગીરાને હેરાન કરતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસ એટલો વધી ગયો હતો કે અગાઉ સગીરાએ આ આરોપી વિરૂદ્ધ પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધાવી હતી.
પોક્સો કેસમાં બન્ને પક્ષો વચ્ચે કોર્ટમાં સમાધાન થઈ ગયું હતું. પરિવારને આશા હતી કે, કદાચ હવે તેમની દીકરી સુરક્ષિત રહેશે, પણ આરોપીના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. કોર્ટમાં સમાધાન થયા બાદ પણ આરોપી સુધર્યો નહીં. તેણે ફરીથી સગીરા પર સંબંધ રાખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. નરાધમના આ રોજ-રોજના ત્રાસથી કંટાળીને પરિવારે પોતાની દીકરીને બચાવવા માટે પોતાનું ઘર પણ બદલી નાખ્યું.
પરિવારે વિચાર્યું કે નવું રહેઠાણ બદલવાથી આરોપીથી પીછો છૂટશે. પરંતુ નરાધમની હેરાનગતિ અહીં પણ ન અટકી. આરોપીએ સગીરાના નવા રહેઠાણ આસપાસ પણ આંટાફેરા મારવાનું અને તેનો પીછો કરવાનું ચાલુ રાખ્યું.
આરોપીના આ સતત પીછો કરવાથી અને અસહ્ય ત્રાસથી સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી. આખરે કોઈ રસ્તો ન દેખાતા, કંટાળીને આ માસૂમ દીકરીએ પોતાના જ રૂમમાં સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કડક તપાસ હાથ ધરી છે.











































