ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં એકસાથે છ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. વિવિધ સિસ્ટમના પ્રભાવથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાત અને સરહદી વિસ્તારોના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ઉપરાંત દમણ તથા દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી દિવસોમાં વરસાદ સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. દરિયામાં કરંટ વધવાની સંભાવનાને પગલે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
યલો એલર્ટ ધરાવતા જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ મેઘગર્જના સાથે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર અને ભરૂચમાં પણ વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદની શક્યતા છે.
વરસાદી સિસ્ટમો સક્રિય થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે નદી-નાળાના જળસ્તરમાં વધારો થઈ શકે છે. આથી નદી-નાળાના કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.