આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલની ગુનાહિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મેડિકલ સ્ટુડન્ટે લગ્નના બહાને અભિષેક પર બળાત્કાર, હુમલો અને ગુનાહિત ધાકધમકીનો આરોપ લગાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ક્રિકેટરને દમ દમ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇમામી સિટીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
હુગલીના પોલીસ અધિક્ષક કુંવર ભૂષણ સિંહે જણાવ્યું હતું કે પોરેલની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. જૂનની શરૂઆતમાં, એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પોરેલે લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું, અને બાદમાં હુમલો કર્યો હતો અને ગુનાહિત ધાકધમકી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, અભિષેક વિરુદ્ધ આઇપીસીની કલમ ૬૪(૧)/૬૬/૬૯/૭૪/૭૫(૨)/૭૯/૧૧૫(૨)/૧૧૭(૨)/૧૨૪(૧)/૧૨૭(૨)/૧૦૯/૩૦૮(૨)/૩૫૧(૨)/૩૫૧(૩)/૩૧૬(૨)/૩૧૮(૩)/૬૧(૨)/૩(૫) અને માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ ૬૬ઈ/૭૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, મહિલાનો દાવો છે કે તે અને અભિષેક પોરેલ લગભગ ત્રણ વર્ષથી સંબંધમાં હતા. જાકે, ગયા વર્ષે બંને વચ્ચે મતભેદો શરૂ થયા. મહિલાનો આરોપ છે કે આ પછી પોરેલે તેનાથી દૂર રહેવાનું શરૂ કર્યું. મહિલાના જણાવ્યા મુજબ, પોરેલે તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં ઇનકાર કરી દીધો. ફરિયાદમાં આરોપ છે કે પોરેલે લગ્નના વચન હેઠળ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. મહિલાએ ક્રિકેટર પર હુમલો અને ગુનાહિત ધાકધમકીનો પણ આરોપ લગાવ્યો છે.
કલકત્તા હાઇકોર્ટે પોલીસને આ કેસમાં ક્રિકેટરની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને પોરેલની ધરપકડ કરી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. અભિષેક પોરેલે અગાઉ તેના પરના આરોપોને નકારી કાઢ્યા છે. મહિલાના આરોપોની તપાસ અને કાનૂની પ્રક્રિયા આગળ વધ્યા પછી જ કેસની સંપૂર્ણ હદ સ્પષ્ટ થશે.