શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ દરમિયાન બનેલી દુર્ઘટનામાં એક શ્રમિક યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. ત્રીજા માળેથી નીચે પટકાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પહેલા પરિવારના એકમાત્ર કમાઉ સભ્યના અવસાનથી પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ જીઆઇડીસી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં નોકરી કરતા હતા. રોજિંદા કામકાજ મુજબ રાત્રિના સમયે તેઓ ફેક્ટરીના ત્રીજા માળે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પગ લપસતા અથવા સંતુલન ગુમાવતા તેઓ ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા.ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે રવિન્દ્રને માથા સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ ફેક્ટરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. સાથી કામદારોએ તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી.ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત રવિન્દ્રને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રવિન્દ્રના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવાર માટે રવિન્દ્ર એકમાત્ર કમાઉ આધાર હતો. મૃતક યુવક ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. થોડા જ દિવસોમાં આવનારા રક્ષાબંધન પર્વને લઈને બહેનો પોતાના ભાઈ માટે ખુશીઓની તૈયારી કરી રહી હતી, પરંતુ અકસ્માતે પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ.
આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. ઊંચાઈ પર કામ કરતી વખતે જરૂરી સુરક્ષા સાધનો અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ પણ જરૂરી બની છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.