રાજ્યના પાટનગરમાંથી હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના દહેગામ તાલુકાના અંગુથલા ગામમાં નવજાત બાળકીના મોતના મામલે પોલીસે તેની માતા અને માતાના પ્રેમીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ, પરિણીત યુવતી કલ્પા (ઉં.વ. ૨૧) અને કાળાજી સોલંકી (ઉં.વ. ૩૨) વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. આ પરિણીત પ્રેમી અને પ્રેમિકાએ પોતાનું પાપ બહાર ન આવે એટલે બાળ દિવસ એટલે ૧૪મી નવેમ્બરના રોજ સામાન્ય માણસને ઝંઝોળી નાંખે તે રીતે નવજાતને જન્મ આપીને મોતને ઘાટ ઉતાર્યું છે.
મળતી માહિતી પ્રમાણે, ૧૪ નવેમ્બરે અંગુથલા ગામના રામાજીના મુવાડા વિસ્તારમાં એક ખેતર પાછળના ગોચરમાં ખાડામાંથી નવજાત બાળકી મળી આવી હતી. ગામના સરપંચે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બાળકીને હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. પ્રાથમિક સારવાર બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દ્ગૈંઝ્રેં વિભાગમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને દહેગામ પોલીસે બાળકીનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ આધારે પોલીસે હત્યાની દિશામાં તપાસ શરૂ કરી છે.
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અંગુથલા ગામના રામાજીના મુવાડા વિસ્તારમાં રહેતી કલ્પા અને ગામમાં રહેતા કાળાજી સોલંકી વચ્ચે છેલ્લા ચારેક વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને પરિણીત હોવાનું અને પોતપોતાના જીવનસાથીથી અલગ રહેતા હોવાનું પ્રાથમિક વિગતોમાં જણાવાયું છે.
પોલીસે બંનેને પૂછપરછ માટે બોલાવી તપાસ કરતાં બાળકીના જન્મ અને તેના મોત અંગેની વિગતો સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, કલ્પાને અગાઉ બે વખત ગર્ભ રહ્યો હતો અને બંને વખત ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. ત્રીજી વખત ગર્ભ રહેવાની મોડી જાણ થયા બાદ બાળકીના જન્મ પછી તેને મારી નાખવાનો કથિત પ્લાન બનાવાયો હતો.
પોલીસ તપાસ મુજબ, ૧૪ નવેમ્બરની મધરાતે પ્રસૂતિની પીડા ઉપડતાં કલ્પા કુદરતી હાજતે જવાનું કહી ઘરેથી ગામની સીમમાં આવેલા ગોચર વિસ્તારમાં ગઈ હતી. ત્યાં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. આ સમયે કાળાજી પણ તેની સાથે હાજર હતો. બાળકીના જન્મ બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. ત્યારબાદ બાળકીને ઝાડી-ઝાંખરામાં ફેંકી દેવામાં આવ્યું હતું. જાકે, સવારે ખેડૂત શશાંક સોલંકીને બાળકીના રડવાનો અવાજ સંભળાતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બાળકી મળી આવતાં ગામના સરપંચને જાણ કરી હતી. આ કેસમાં પોલીસે કલ્પા અને કાળાજી સોલંકીની ધરપકડ કરી છે. બંને સામે હત્યા સહિતની લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ અને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.










































