અમદાવાદના ચંડોળા તળાવના ડેવલપમેન્ટની કામગીરીની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થળ પર જઈ સમીક્ષા કરી હતી. તળાવના ડેવલપમેન્ટના ફેઝ-૧નું ૬૦ ટકા કામ પૂર્ણ થયું છે અને માર્ચ ૨૦૨૭ સુધીમાં કામગીરી પૂરી કરવાનું આયોજન છે. જોકે, તળાવમાંથી દબાણો દૂર કરાયાં બાદ અસરગ્રસ્ત પરિવારોને હજુ સુધી મકાન ફાળવવામાં આવ્યાં નથી. આ સ્થિતિમાં કમિશનરે પરિવારોને
શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા અને બાળકોને મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રવેશ અપાવવાની ખાતરી આપી છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ચંડોળા તળાવ ડેવલપમેન્ટ સાઇટની મુલાકાત દરમિયાન ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિગતો મેળવી હતી અને કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ ફેઝ-૧નું ૬૦ ટકા કામ પૂર્ણ થયું છે અને માર્ચ ૨૦૨૭ સુધીમાં તેને પૂરું કરવાનું આયોજન છે.
ડેવલપમેન્ટ સાઇટની આસપાસ રહેતા પરિવારો સાથે પણ કમિશનરે વાતચીત કરી હતી. અસરગ્રસ્ત પરિવારોને શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત, પરિવારોનાં બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પ્રવેશ અપાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કમિશનરે વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અપીલ કરી હતી. જેથી સ્થળાંતરની Âસ્થતિમાં પણ બાળકોનું શિક્ષણ ચાલુ રહી શકે.ચંડોળા તળાવમાંથી દોઢથી બે વર્ષ પહેલાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે કાચાં-પાકાં મકાનો અને ઝૂંપડાં તોડી તળાવ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. જાકે, અસરગ્રસ્ત પરિવારોને મકાન ફાળવવાની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી.
મળતી માહિતી મુજબ, કાયદેસર પાત્રતા ધરાવતા ૮૦૦થી વધુ પરિવારોને હજુ સુધી મકાન મળ્યાં નથી. પૂર્વ વિપક્ષ નેતા અને દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ થોડા મહિના અગાઉ મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં મકાન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી.
પરિણામે અસરગ્રસ્ત પરિવારોને હાલ ભાડાનાં મકાનોમાં રહેવું પડે છે અને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. હવે એક તરફ તળાવના ડેવલપમેન્ટની કામગીરી આગળ વધી રહી છે, તો બીજી તરફ અસરગ્રસ્ત પરિવારોને કાયમી મકાન ક્્યારે મળશે તે સવાલ યથાવત્ છે.









































