સુરત અને તેની આસપાસના રેલવે ટ્રેક પર ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ એક વખત સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ૧૭મી નવેમ્બરની સાંજના સમયે સુરતથી નવસારી તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર સચિન રેલવે સ્ટેશન નજીક કોઈ અજાણ્યા વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર ટ્રેનના કોચની બારીના કાચ પર વાગતાં કાચને નુકસાન થયું હતું.
વંદે ભારત ટ્રેન સુરતથી નવસારી તરફ જઈ રહી હતી તે દરમિયાન સચિન સ્ટેશન નજીક આ ઘટના બની હતી. અચાનક ટ્રેનના કાચ પર પથ્થર વાગતાં મુસાફરોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.ઘટનાની જાણ થતાં રેલવે વિભાગ અને આરપીએફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રેન પર પથ્થર કોણે અને કયા કારણોસર ફેંક્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારમાં તપાસ કરવાની સાથે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
સુરત નજીક ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ વારંવાર સામે આવતાં રેલવેની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને વંદે ભારત જેવી આધુનિક અને પ્રીમિયમ ટ્રેનને જ વારંવાર નિશાન બનાવવામાં આવતી હોવાની ચર્ચા છે. આખરે વંદે ભારત ટ્રેન પર જ પથ્થરમારો કરવાની પાછળનું કારણ શું છે અને આવી હરકતો કરનારા તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી થશે તેવા સવાલો ઊઠી રહ્યા છે.