ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતીને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. યુનિવર્સિટી દ્વારા તે સમયગાળા દરમિયાન ભરતી કરાયેલા તમામ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ તેમની સેવા સમાપ્ત (ટર્મિનેટ) કરવા અંગે નિર્ણય લેવાશે.
આ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)એ યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.એબીવીપીએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરીને ભરતી કરવામાં આવી હતી અને તેના કારણે યુનિવર્સિટીને આશરે ૧૦.૯૩ કરોડનું નુકસાન થયું છે. ઉપરાંત, હંગામી કર્મચારીઓને દૂર કરીને મનપસંદ લોકોને નોકરી આપવામાં આવી અને નિયમો વિરુદ્ધ પગાર ચૂકવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.એબીવીપીએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કોને કોને કરાયા સસ્પેન્ડ
પાવન પંડિત –
એનિમેશન કોઓર્ડીનેટર- ૨.૫૦ લાખ
શ્રીનિવાસ રાઓ –જીયુએસઇસી સીઇઓ – ૫ લાખ
બિશ્વજીત અધિકારી –જીયુએસઇસી – ૨.૫૦ લાખ
માનસિંગ રજારા –જીયુએસઇસી – ૧.૨૫ લાખ
ચંદ્રશેખર ઝા – એસ્ટેટ ઓફિસર – ૧.૫૦ લાખ
દિનેશ શર્મા – ચીફ એકાઉન્ટ ઓફિસર – ૧.૨૫ લાખ
પરેશ સોની – ફાયર ઓફિસર – ૬૦ હજાર
તુષાર ત્રિવેદી – લીગલ ઓફિસર – ૪૦ હજાર
પીઓપી – પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ હેઠળ ભરતી કરાયેલા કોન્ટ્રાક્ટ આધારિત ઓફિસર ફેકલ્ટી – એક ફેકલ્ટીનો ૨.૨૫ લાખ પગાર