અગામી વર્ષ-૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે અમદાવાદની પસંદગી થઈ છે. શહેરને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ સજ્જ કરવા અને સર્વાંગી વિકાસને વેગ આપવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા તેની ૩૧૧મી બોર્ડ બેઠકમાં અનેક પ્રજાલક્ષી તથા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી શહેર અને આસપાસના સેટેલાઈટ વિસ્તારોમાં માળખાકીય પાયાની સુવિધાઓ વધશે તેમજ નવા રસ્તાઓની કનેકટીવિટી સુધરશે.
ઔડા દ્વારા શહેરની આસપાસના વિસ્તારોને સુગઠિત અને આયોજનબદ્ધ રીતે વિકસાવવા માટે દહેગામ, ગોધાવી, કાણેટી, સાણંદ અને નિયરાડ જેવા વિસ્તારોમાં ૪ નવી ટી.પી. (ટાઉન પ્લાનિંગ) સ્કીમની રચના કરવા ‘ઈન્ટેન્શન ડિકલેર’ (ઈરાદો જાહેર) કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે આશરે ૫૦૦ હેક્ટર જેટલા વિશાળ ક્ષેત્રફળમાં આધુનિક સુવિધાઓ સાથેનું શહેરીકરણ હાથ ધરવામાં આવશે. નવી ટી.પી. સ્કીમો અમલમાં આવવાથી આ વિસ્તારોમાં શહેર કક્ષાની તમામ સુવિધાઓ ઊભી થશે અને નવા રસ્તાઓનું નેટવર્ક મજબૂત બનશે.
શહેરની આજુબાજુ આવેલા સેટેલાઈટ વિસ્તારોના સુમેળભર્યા અનેઝડપી વિકાસ માટે ઔડા દ્વારા વધુ ૧૪ સ્કીમોને આખરી મંજૂરી અર્થે પરામર્શ અનુમોદન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ આયોજનને કારણે અમદાવાદના પેરિફેરી (સરહદી) વિસ્તારોમાં વસતા નાગરિકોને સુવ્યવસ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહેશે.
નાગરિકો અને રહીશોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા સ્ટ્રક્ચરલી નબળા અને જર્જરિત બનેલા આવાસ પ્રોજેક્ટ્સના રીડેવલપમેન્ટને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત નિર્ણયનગર-ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ‘નંદનવન આવાસ’ (૬૨૪ ફ્લેટ) અને મેમનગરની ‘મહાત્મા ગાંધી વસાહત’ (૮૪ ફ્લેટ) મળીને કુલ ૭૦૮ જર્જરિત ફ્લેટોનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. આ નિર્ણયથી ત્યાં રહેતા પરિવારજનોને સુરક્ષિત અને આધુનિક આવાસ પ્રાપ્ત થશે.
શહેરમાં આર્થિક અને વાણિજ્યક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઔડા દ્વારા મહત્વના વિસ્તારોમાં આવેલા ૧૫ પ્લોટોનું ઈ-ઓક્શન (ઈ-હરાજી) દ્વારા વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પ્લોટો બોપલ, થલતેજ, ચાંદખેડા તેમજ ચાંદલોડિયા-ગોતા જેવા પ્રાઇમ લોકેશન પર આવેલા છે, જેનાથી શહેરના વેપાર-રોજગાર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટો વેગ મળશે.
શહેરમાં ચાલી રહેલા વિવિધ નિર્માણકાર્યો દરમિયાન સુરક્ષાના તમામ માપદંડો જળવાય અને સ્વચ્છતા જાળવી શકાય તે માટે કડક નિયમો અને દંડની જોગવાઈ અમલી બનાવવામાં આવશે. ઔડા દ્વારા લેવાયેલા આ તમામ પ્રજાલક્ષી નિર્ણયો અમદાવાદ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં અને તેના ઝડપી તથા સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન (મહત્વનો તબક્કો) સાબિત થશે. અમદાવાદ શહેરની આજુબાજુમાં નવવિકસિત વિસ્તારોમાં પદ્ધતિસર અને આયોજનબદ્ધ વિકાસ થાય એવા આગોતરા આયોજનના ભાગરૂપે ઔડા દ્વારા ૧૪ કીમો માટે સત્તામંડળને સંપ્રાપ્ત થતા રિઝર્વેશનના પ્લોટ તથા રસ્તા અન્વયે બોર્ડ દ્વારા પરામર્શ અનુમોદન આપવામાં આવ્યું છે.











































