સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા અને તેમનું સરઘસ કાઢવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં ૧૪ ઓગસ્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કડક વલણ અપનાવતા ઘટનામાં સામેલ ડીસીપી રાજદીપસિંહ નકુમને હાલના હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટે જણાવ્યું કે ડીસીપી નકુમ ઉચ્ચ અધિકારી હોવાથી તેમને એ જ જગ્યાએ રાખીને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવી મુશ્કેલ બની શકે છે. તેથી તેમની તાત્કાલિક બદલી થવી જાઈએ તેવી ટકોર કોર્ટ દ્વારા કરવામાં આવી હતી.સરકારી વકીલે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે કોર્ટ આ મુદ્દે હુકમમાં કોઈ નોંધ ન કરે અને સરકાર સમગ્ર ઘટનાની ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની તથા વહીવટી પગલાં લેશે. સરકાર તરફથી જણાવાયું હતું કે આગામી શુક્રવારે અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાં અંગેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ રજૂઆતને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી વધુ સુનાવણી આગામી શુક્રવાર સુધી મુલતવી રાખી છે.
સરકારી પક્ષે જણાવ્યું હતું કે ડીજીપીના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે એડિશનલ સીપી (ક્રાઇમ)ને ઘટનાની તપાસ સોંપી છે. વાયરલ વીડિયોમાં દેખાતા લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા હોવાનું કોર્ટને જણાવાયું હતું. આ રજૂઆત સામે હાઇકોર્ટે ટકોર કરી હતી કે હાલ ચાલી રહેલી કાર્યવાહી માત્ર પ્રાથમિક તપાસ છે.ડીસીપી ઘટનાસ્થળે હાજર હોવાનો મુદ્દો અને સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હોવાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે નિષ્પક્ષ તપાસની જરૂરિયાત પર ભાર મૂક્્યો હતો. કોર્ટના મતે, જા સંબંધિત અધિકારી એ જ સ્થળે ફરજ પર રહેશે તો તેમના હેઠળના કર્મચારીઓ તેમની વિરુદ્ધ નિર્ભયતાથી નિવેદન આપી શકશે કે નહીં તે પણ મહત્વનો પ્રશ્ન છે.સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રએ પોલીસ દ્વારા આરોપીઓ સાથે કરવામાં આવતી જાહેર વર્તણૂક અંગે અગાઉ બહાર પાડવામાં આવેલા સર્ક્‌યુલરોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯ના સર્ક્‌યુલરમાં આરોપીઓને દોરડાથી બાંધવા, સરઘસ કાઢવા, હાથકડી પહેરાવી જાહેરમાં પ્રદર્શન કરવા જેવી બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોર્ટ મિત્રના જણાવ્યા મુજબ, ૨૦૧૮માં રાજ્યમાં આવી ઘટનાઓને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ સર્ક્‌યુલર બહાર પાડવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
કોર્ટ મિત્રએ ૨૦૨૨માં ખેડામાં બનેલી આવી જ ઘટના અંગેની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે મામલે કન્ટેમ્પ્ટ અરજી બાદ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું કોર્ટને જણાવાયું હતું. સુનાવણી દરમિયાન એવા સર્ક્‌યુલરનો પણ ઉલ્લેખ થયો જેમાં પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવો, ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવું, દોરડાથી બાંધવું અથવા જાહેરમાં માફી મંગાવવી જેવી કાર્યવાહી પર પ્રતિબંધ હોવાનું જણાવાયું હતું. આવા નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની જાગવાઈ હોવાનું પણ કોર્ટ મિત્રએ જણાવ્યું હતું. આ માટે ડીવાયએસપી,એસીપી,એસીપી ડીસીપી જેસીપી અને સીપી સ્તરના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી હોવાનું રજૂ કરવામાં આવ્યું.