ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૨૩ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આજે સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન પણ રાજ્યના ૪૧ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન ૧ મિમીથી લઈને અડધા ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જાવા મળ્યું હતું અને આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.
આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય છે. મોન્સૂન ટ્રફ અને શિયર ઝોનની અસરને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે સ્પેલમાં વરસાદ પડયો છે. શહેરનું મહત્તમ તાપમાન આશરે ૨૯.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી રહ્યું હતું અમદાવાદમાં ૧૨ અને ૧૩ ઓગસ્ટ દરમિયાન ૨ મિમી વરસાદ નોંધાયો હતો. ૧ જૂનથી અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ ૫૮૩.૨ મિમી નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતાં ૯૩.૯ મિમી વધુ છે.