રાજુલા તાલુકાના કોવાયા ગામે સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અજાણ્યા શખ્સોએ મૂળ રાજસ્થાનના ઉદયપુરના અને હાલ કોવાયા ગામે રહેતા લલીત શાંતિલાલ દેવપુરા (ઉવ.૫૫)નો મોબાઈલ ફોન હેક કરી માત્ર ૧૫ મિનિટમાં તેમના બેન્ક ખાતામાંથી કુલ રૂ. ૩,૦૩,૦૨૫ની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી ઓનલાઇન છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.મળતી માહિતી મુજબ, ગત તા. ૦૬/૦૭/૨૦૨૬ના રોજ રાત્રિના ૦૯ઃ૧૫ થી ૦૯ઃ૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. ફરિયાદીના આઈસીઆઈસીઆઈ બેન્કના બચત ખાતામાંથી અજાણ્યા ઈસમોએ ફરિયાદીની જાણ બહાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આરોપીઓએ ટુકડે-ટુકડે બે અલગ-અલગ બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. બંને ખાતામાં મળીને કુલ રૂ. ૩,૦૩,૦૨૫ ની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.આ મામલે ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી, બેન્ક ટ્રાન્ઝેક્શન અને સાયબર કડીઓના આધારે ગઠિયાઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. વી.વી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.









































