શીતલ ફૂડ પ્રોડક્ટ્સ, DJBS ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા ૧૫ ઓગસ્ટે રક્તદાન કેમ્પ યોજાશે
અમરેલીમાં સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે સમાજસેવા અને માનવતાનો મહાન સંદેશો સાકાર કરવા માટે શીતલ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડ, DJBS Foundation – શીતલ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી, અમરેલી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તથા મોટા બસ સ્ટેન્ડ વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં શહેર તથા આસપાસના વિસ્તારના યુવાનો, વેપારીઓ, ઉદ્યોગકારો, કર્મચારીઓ, સામાજિક કાર્યકરો તેમજ રક્તદાતાઓને મોટી સંખ્યામાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.રક્તદાન માત્ર એક સામાજિક સેવા નથી, પરંતુ કોઈ અજાણ્યા જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનદાન આપવાનું પવિત્ર કાર્ય છે. અકસ્માતના દર્દીઓ, પ્રસૂતિ દરમિયાન રક્તની જરૂરિયાત ધરાવતી માતાઓ, થેલેસેમિયા સહિતની વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓ તેમજ અન્ય ગંભીર પરિસ્થિતિમાં રહેલા દર્દીઓ માટે રક્ત અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે.એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન અનેક લોકો માટે આશાનું કિરણ બની શકે છે. આપેલું રક્ત કોઈ પરિવારની ખુશી પરત લાવી શકે છે અને અમૂલ્ય જીવન બચાવી શકે છે. તેથી આ માનવતાભર્યા અભિયાનને સફળ બનાવવા માટે સૌને ઉત્સાહપૂર્વક જોડાઈ રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.








































