જાફરાબાદના લુણસાપુર ખાતે અધિકારીઓની હાજરીમાં
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે લુણસાપુર ખાતે આવેલી ઇન્ડો એશિયા કોપર લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ સાઇટ પર સિંહ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગીર વિસ્તારમાં વસતા એશિયાટિક સિંહોના સંરક્ષણ, વન્યજીવ સુરક્ષા, કુદરતી આવાસના જતન તેમજ માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જાગૃતિ સત્ર યોજાયું હતું. જેમાં સિંહ સંરક્ષણ, વન્યજીવો સાથે સુરક્ષિત અને જવાબદાર સહઅસ્તિત્વ તથા કુદરતી આવાસના જતન અંગે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રીમતી જિજ્ઞાસાબેન શેતારાનીયા, ફોરેસ્ટર એમ. એ. ડોડીયા, બીટ ગાર્ડ એ. કે. ચૌહાણ તેમજ કંપનીના ડિરેક્ટર હરેશ વોરા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રમિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. IACL દ્વારા પર્યાવરણ અને જૈવવિવિધતા સંરક્ષણ માટે સતત પ્રયત્નો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.